Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૨૦૨૧ કરતા ૨૦૨૨માં લોકોએ લગ્ન કર્યા ધામધૂમથી : સરેરાશ ખર્ચમાં પણ વધારો

પરિવારો લગ્નને વધુ સારા અને યાદગાર બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે : ડેસ્‍ટિનેશન વેડિંગ માટે ઉદયપુર સૌથી વધુ માગ ધરાવતુ સ્‍થળ, ત્‍યારબાદ ગોવા અને જયપુરનો ક્રમ

નવી દિલ્‍હી, તા.૨૦ : બે વર્ષના વિરામ બાદ ભારતમાં લગ્નો ફરી ધામધૂમથી શરૂ થયા છે. લોકડાઉનના પ્રતિબંધો હટાવવાની સાથે, વધુને વધુ ભારતીયોએ ૨૦૨૨ માં સ્‍થળો અને વિક્રેતાઓ શોધવાનું શરૂ કર્યું. વેડિંગ ટેક્‍નોલોજી પ્‍લેટફોર્મ વેડિંગવાયર ઇન્‍ડિયાના ડેટા અનુસાર, ૨૦૨૧ની તુલનામાં ૨૦૨૨માં મેરેજ સર્ચનો ટ્રાફિક ૪૮.૪૮ ટકા વધ્‍યો હતો.

લગ્ન કરવાના ઇરાદા સાથે, ૨૦૨૨ માં લગ્ન દીઠ સરેરાશ ખર્ચમાં પણ વધારો થયો. આંકડામાં વધુમાં જાણવા મળ્‍યું છે કે ૨૦૨૧માં ૨૧ લાખ રૂપિયાની તુલનામાં, લગ્નનો ખર્ચ ૨૦૨૨ માં ૩૩.૩૩ ટકા વધીને ૨૮ લાખ થયો હતો. જો કે, લોકડાઉનના પ્રતિબંધો હટાવવામાં આવ્‍યા ત્‍યારે પણ, મહત્તમ પરિવારો ઇચ્‍છતા હતા કે લગ્નો ધામધૂમથી થાય. ૬૦.૨૧ ટકા યુગલો અને પરિવારો ૧૦૦ થી ઓછા મહેમાનોને બોલાવીને સાથે લગ્ન કરવા માંગતા હતા અને ફક્‍ત ૧૩ ટકા લોકોએ ૩૦૦ થી વધુ મહેમાનોનાં લીસ્‍ટનું આયોજન કર્યું હતું. પરિવારો લગ્નને વધુ સારા અને યાદગાર બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે.

વેડિંગવાયર ઇન્‍ડિયાના માર્કેટિંગ હેડ અનમ ઝુબૈરે જણાવ્‍યું હતું કે, ૨૦૨૨ એ વર્ષ હતું જેની લગ્ન ઉદ્યોગને મનભરીને કમાણી કરાઇ, ખાસ કરીને છેલ્લા બે વર્ષ અનિશ્ચિત હતા અને રોગચાળાને કારણે ઉદ્યોગ માટે થોડા મર્યાદિત હતા. આ વર્ષે, અમે જોયું કે કેવી રીતે કપલ અને તેમના પરિવારો માટે પ્રાથમિકતામાં ફેરફાર થયો. મહેમાનોની યાદી કરતાં પણ વધારે તો આ એક એવો અનુભવ હતો કે જેના પર તેઓ મોટાભાગનો સમય અને મહેનત કરતા હતા. જો કે, એ નોંધવું રસપ્રદ હતું કે આનાથી નિર્ધારિત બજેટમાં ભાગ્‍યે જ કોઈ ફરક પડ્‍યો હતો. ડિસેમ્‍બર લગ્ન માટે સૌથી લોકપ્રિય મહિનો હતો કારણ કે, ૨૦૨૨માં દર પાંચમાંથી એક લગ્ન ૨૧.૫ ટકા, તે જ મહિનામાં થયા હતા. ત્‍યારબાદ ફેબ્રુઆરી (૧૫.૪૯ ટકા)નો નંબર આવે છે. ૨ ડિસેમ્‍બર, ૨૦૨૨, શુક્રવાર લગ્નની સૌથી લોકપ્રિય તારીખ હતી. દિવસોની વાત કરીએ તો, રવિવારનો દિવસ લગ્નનો સૌથી લોકપ્રિય દિવસ હતો, જેમાં ૨૦ ટકા લોકોએ તે દિવસે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. તે પછી શુક્રવારે ૧૯.૭ ટકા આવ્‍યો હતો.

ડેટા અનુસાર, સૌથી વધુ લગ્નનું આયોજન કરનારા ટોપ ૩ શહેરોની યાદીમાં દિલ્‍હી ટોચ પર છે. બેંગ્‍લોર અને મુંબઈ તેને નજીકના હતા. વર્ષ ૨૦૨૦માં પણ દિલ્‍હીમાં ભારતમાં સૌથી વધુ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બીજી તરફ ત્રિપુરા, સિક્કિમ અને ઇમ્‍ફાલમાં સૌથી ઓછા લગ્નો નોંધાયા છે. ડેટામાં એવું પણ બહાર આવ્‍યું છે કે લખનઉ, જયપુર અને ગુડગાંવ લગ્ન માટે ટોચના ત્રણ ટાયર -૨ શહેરો હતા.

ડેસ્‍ટિનેશન વેડિંગ માટે ઉદયપુર સૌથી વધુ માગ ધરાવતું સ્‍થળ હતું, ત્‍યાર બાદ ગોવા અને જયપુરનો ક્રમ આવે છે. સિંગાપોર, અબુધાબી અને ન્‍યૂયોર્ક સૌથી વધુ ટ્રેક્‍શન સાથે ટોચના ત્રણ વિદેશી સ્‍થળો હતા. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વેન્‍યૂ વેન્‍ડર્સની સૌથી વધુ ડિમાન્‍ડ છે, જેમાં ૨૯ ટકા બુકિંગ આ કેટેગરી માટે કરવામાં આવી રહ્યું છે. ત્‍યારબાદ વેડિંગ ફોટોગ્રાફર્સ અને મેકઅપ આર્ટિસ્‍ટ અનુક્રમે ૧૧ ટકા અને ૫ ટકા હતા. સ્‍થળોની વાત કરીએ તો બેન્‍ક્‍વેટ હોલ સૌથી વધુ સર્ચ કરવામાં આવતા સ્‍થળો હતા, જેમાં ૫૬ ટકા ડિમાન્‍ડ હતી.

(10:33 am IST)