Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગુજરાત સહિત અનેક રાજયોમાં તુવેરદાળના ભાવમાં વધારો

ગુજરાતીઓને વધુ એક મોંઘવારીનો માર : નિષ્‍ણાતોના મતે હવામાનના કારણે કઠોળના ઉત્‍પાદનને અસર થઈ છે જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે

નવી દિલ્‍હી,તા.૨૦: આગામી થોડા દિવસોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેના કારણે લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી છે. પરંતુ આ પહેલા જનતા માટે રસોડાનું બજેટ વધી ગયું છે. દેશના ઘણા ભાગોમાં દાળના ભાવમાં વધારો જોવા મળ્‍યો છે. તે જ સમયે, તુવેરના ભાવ MSP કરતા ઉપર ચાલી રહ્યા છે. તેની પાછળ કઠોળ પાકોના ઉત્‍પાદન પર અસર થવાને કારણે સપ્‍લાયમાં ઘટાડો થવાને નિષ્‍ણાતોએ જવાબદાર ગણાવ્‍યું છે.

જણાવી દઈએ કે, હાલમાં નિષ્‍ણાતો અડદ, મગ અને તુવેર જેવા કઠોળ પર નજર રાખી રહ્યા છે, જેના ઉત્‍પાદન પર અસર પડી છે. જોકે નિષ્‍ણાતોના મતે દેશના ઘણા ભાગોમાં કઠોળની ઉપજ વધી છે. તે જ સમયે, વિદેશથી સપ્‍લાય વધવાથી ભાવ નિયંત્રણમાં આવવાની આશા છે

તુવેરના ભાવમાં તાજેતરના ભૂતકાળમાં વધારો જોવા મળ્‍યો છે અને હાલમાં તેની કિંમતો MSP કરતા ઉપર ચાલી રહી છે. કર્ણાટકમાં ૧૮ જાન્‍યુઆરીએ મહત્તમ ભાવ ૧૧૯૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ નોંધાયા હતા. ત્‍યારે મહારાષ્ટ્રમાં ૧૧૫૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ, ઉત્તર પ્રદેશમાં ૯૯૯૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ અને ગુજરાતમાં ૭૨૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ સુધી પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સપ્‍લાયમાં અછતને કારણે કિંમતો વધી રહી છે.

નવા વર્ષની શરૂઆતથી ૧૮ જાન્‍યુઆરી સુધી કર્ણાટકમાં ૨૫૬૮૦ ટન દાળનું આગમન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઘણું ઓછું છે. તે સમયે આ આંકડો ૩૧૧૯૩ ટન હતો. તે જ સમયે મહારાષ્ટ્રમાં કઠોળની આવક ૨૦૯૮૩ ટનથી ઘટીને ૧૮૨૯૭ ટન થઈ ગઈ છે. જયારે ગુજરાતમાં આ આંકડો ૪૭૧૭ ટનથી ઘટીને ૩૮૧૧ ટન થયો છે.

કૃષિ સંબંધિત બાબતોના નિષ્‍ણાત સુનિલ બલદેવનું કહેવું છે કે, હાલમાં અડદ, મગ અને તુવેરની ચિંતા છે. આ વખતે હવામાનના કારણે આ પાકોની ઉપજને અસર થઈ છે. જેની અસર ભાવ પર જોવા મળી રહી છે. જો કે સરકારના સ્‍ટોકમાં મગનો જથ્‍થો પૂરતો છે, તેથી તેના ભાવ નિયંત્રણમાં રહેશે. બીજી તરફ, ભલે દેશમાં અડદના ઉત્‍પાદનને અસર થઈ હોય, પરંતુ પાડોશી દેશ બર્મામાં તેનું સારું ઉત્‍પાદન થયું છે, જેના કારણે તેના પુરવઠાની કોઈ ચિંતા નથી.

સુનિલ બલદેવાના જણાવ્‍યા અનુસાર, દેશમાં ચણા અને મસૂરના પાક સારા થવાની આશા છે, જેના કારણે આ કઠોળના ભાવ નીચા રહી શકે છે. તેમનું કહેવું છે કે, અત્‍યારે સૌથી મોટી ચિંતા તુવેર દાળની છે. દેશમાં હવે આફ્રિકન દેશોમાંથી કઠોળની સપ્‍લાય કરવામાં આવી રહી છે અને આગામી ૩ અઠવાડિયામાં ૫૦ થી ૬૦ હજાર ટન વધુ કઠોળ આવશે. આ સાથે, આફ્રિકન દેશોમાંથી કુલ ૪ લાખ ટન કઠોળની સપ્‍લાય કરવામાં આવશે, જેની કિંમતો પર વધુ અસર થઈ શકે છે.

(10:37 am IST)