Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આવો કોઇ રિપોર્ટ વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ નથી આપ્‍યોઃ કેન્‍દ્ર સરકાર

૮૭ ટકા ભારતીયોને કેન્‍સર થવાનો ‘હુ'નો રિપોર્ટ ખોટો

નવી દિલ્‍હીઃ દુધમાં મિશ્રણના કારણે કેન્‍સરનું જોખમ વધી જવાની ચેતવણી વિશ્‍વ આરોગ્‍ય સંસ્‍થાએ ભારતને આપી હોવાના રીપોર્ટને કેન્‍દ્ર સરકારે ૧૯ જાન્‍યુઆરીએ રદીયો આપ્‍યો હતો. સરકારે કહ્યું કે વિશ્‍વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા આવી કોઇ ચેતવણી નથી આપવામાં આવી અને આવી ખોટી માહિતીના કારણે લોકોમાં બીનજરૂરી હડકંપ ઉભો થઇ રહ્યો છે.

સરકારે કહ્યું કે આ બોગસ એડવાઇઝરીમાં દાવો કરાયો છે કે દુધ અને તેની બનાવટોમાં થતા મિશ્રણને જો તાત્‍કાલીક ચેક કરવામાં નહી આવે તો ૮૭ ટકા ભારતીયોને ૨૦૨૫ સુધીમાં કેન્‍સર જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે.

સ્‍ટેટમેન્‍ટમાં કહેવાયુ છે કે આ મુદ્દો ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાર્ન્‍ડસ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા (એફએસએસએઆઇ) સાથે મળીને ચકાસી લેવાયો છે. સ્‍ટેટમેન્‍ટમાં વધુમાં કહેવાયુ છે કે વિશ્‍વ આરોગ્‍ય સંસ્‍થાની ભારતની ઓફીસે એફએસએસએઆઇને ખાતરી આપી છે કે આવી કોઇ એડવાઇઝરી હુ તરફથી ભારત સરકારને નથી આપવામાં આવી.

વિભાગ દ્વારા કહેવાયુ છે કે સોશ્‍યલ મીડીયા અને વોટસએપમાં ફરી રહેલ આવી ખોટી માહિતીને કોઇ મહત્‍વ ના અપાવુ જોઇએ. સ્‍ટેટમેન્‍ટમાં કહેવાયુ છે કે એનીમલ હસ્‍બન્‍ડરી અને ડેરી વિભાગ તથા એફએસએસએઆઇ દેશભરના ગ્રાહકોને સારી કવોલીટીનું અને સુરક્ષિત દૂધ મળે તે માટેના શકય એટલા પગલાઓ લઇ રહ્યા છે. દેશમાં દૂધનું ઉત્‍પાદન ૨૦૧૪-૧૫ના ૧૪૬.૩ મીલીયન ટનની સામે ૨૦૨૧-૨૨માં વધીને ૨૨૧.૦૬ મીલીયન ટને પહોંચ્‍યુ છે જે વાર્ષિક ૬.૧ ટકાનો વધારો દર્શાવે છે.

૨૦૧૯માં વિભાગ દ્વારા ભારતમાં દૂધ અને તેના ઉત્‍પાદનોની માંગ અંગે એક અભ્‍યાસ પણ કરવામાં આવ્‍યો હતો. આ અભ્‍યાસ અનુસાર, ૨૦૧૯માં ભારતમાં દુધ અને તેના ઉત્‍પાદનોની માંગ ૧૬૨.૪  મીલીયન મેટ્રીક ટન (૪૪.૫૦ કરોડ કીલોગ્રામ પ્રતિદિન)ની હતી. વિભાગે વધુમાં કહ્યું કે દેશમાં દૂધનું ઉત્‍પાદન ઘરેલુ માંગને પહોંચી વળવા માટે પર્યાપ્‍ત છે. દુધ અને તેના ઉત્‍પાદનોની કવોલીટી જાળવવા માટેના નિયમો અને તેનુ અમલીકરણ એફએસએસએઆઇ દ્વારા કરવામાં આવે છે.

(3:43 pm IST)