Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

બિહાર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહતઃ જાતિ ગણતરી વિરુદ્ધની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી

સુપ્રીમ કોર્ટે અરજદારોને સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવા અને કાયદા મુજબ યોગ્‍ય પગલાં લેવાની મંજૂરી આપી છે

નવી દિલ્‍હી, તા.૨૦: સુપ્રીમ કોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્‍તી ગણતરી કરવાના બિહાર સરકારના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજદારોને સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવા અને કાયદા મુજબ યોગ્‍ય પગલાં લેવાની મંજૂરી આપી છે. જણાવી દઈએ કે બિહારના રહેવાસી અખિલેશ કુમારે જાતિ ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે જાતિ ગણતરીની સૂચના મૂળભૂત ભાવના વિરુદ્ધ છે અને તે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. અરજીમાં જાતિ ગણતરીની સૂચનાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અખિલેશ કુમાર ઉપરાંત હિન્‍દુ સેના નામના સંગઠને પણ જાતિ ગણતરીના નોટિફિકેશન પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્‍યો હતો કે જાતિ ગણતરી કરાવીને બિહાર સરકાર દેશની એકતા અને અખંડિતતાને તોડવા માંગે છે. નોંધનીય છે કે બિહારની નીતીશ કુમાર સરકારે ૬ જૂને જાતિની વસ્‍તી ગણતરીનું નોટિફિકેશન બહાર પાડ્‍યું હતું.બિહારમાં ૭મી જાન્‍યુઆરીથી જાતિ આધારિત સર્વે શરૂ થયો છે. રાજ્‍ય સરકારે આ સર્વે કરવાની જવાબદારી સામાન્‍ય વહીવટ વિભાગને સોંપી છે. આ અંતર્ગત સરકાર મોબાઈલ ફોન એપ દ્વારા દરેક પરિવારનો ડેટા ડિજિટલ રીતે એકત્રિત કરી રહી છે. આ જાતિ સર્વે બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો ૭ જાન્‍યુઆરીથી શરૂ થશે. આ સર્વેમાં પરિવારના સભ્‍યોના નામ, તેમની જાતિ, જન્‍મ સ્‍થળ અને પરિવારના સભ્‍યોની સંખ્‍યા સંબંધિત પ્રશ્‍નો હશે. આ સાથે આ સર્વેમાં લોકોની આર્થિક સ્‍થિતિ અને આવક સાથે જોડાયેલા પ્રશ્‍નો પણ પૂછવામાં આવશે.

જાતિ સર્વેક્ષણનો બીજો તબક્કો ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી શરૂ થશે. આ દરમિયાન લોકોની જાતિ, તેમની પેટા જાતિ અને ધર્મ સંબંધિત ડેટા એકત્ર કરવામાં આવશે. બિહાર સરકારે ૨૦૨૩ સુધીમાં જાતિ સર્વેક્ષણનું કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્‍યું છે. આ સર્વે પાછળ સરકાર ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

(4:03 pm IST)