Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સેનામાં કર્નલની ખાલી જગ્‍યાઓ માટે ૧૦૮ મહિલાઓની પસંદગી : માસાંતે પોસ્‍ટીંગ

સેનામાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બનશે : એકમોને આદેશ આપવા માટે પણ અધિકળત કરવામાં આવશે

 નવી દિલ્‍હી,તા.૨૦ : ભારતીય મહિલાઓ પુરૂષો સાથે સમાનતા માટેની તેમની લડાઈમાં વધુ એક પગલું આગળ વધી રહી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પહેલીવાર ભારતીય સેનામાં ૧૦૮ મહિલાઓ કર્નલ બનવા જઈ રહી છે. બસ હજુ થોડાં દિવસો રાહ જુઓ પછી તમે આ મહિલા કર્નલને સેનામાં કમાન્‍ડિંગ રોલમાં જોશો. રિપોર્ટ અનુસાર તેને સમગ્ર આર્મી યુનિટની કમાન્‍ડિંગની જવાબદારી મળી શકે છે. આ મહિલા આર્મી ઓફિસરોના પ્રમોશનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

 લેટેસ્‍ટ રિપોર્ટ અનુસાર અત્‍યાર સુધી લગભગ ૮૦ મહિલાઓને ભારતીય સેનાના કર્નલ પદ માટે પસંદ કરવામાં આવી છે. સેનામાં મહિલાઓના પ્રમોશનની આ  પ્રક્રિયા ૯ જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ શરૂ થઈ હતી, જે ૨૨ જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ પૂર્ણ થશે. તેમની પોસ્‍ટિંગ જાન્‍યુઆરી ૨૦૨૩ના અંત સુધીમાં કરવામાં આવશે.

 આર્મી અધિકારીઓએ જણાવ્‍યું છે કે, આર્મીની વિવિધ શાખાઓમાં કર્નલના પદ માટે કુલ ૧૦૮ જગ્‍યાઓ ખાલી હતી. જેમાં એન્‍જિનિયર, સિગ્નલ, ઇલેક્‍ટ્રિકલ અને મિકેનિકલ એન્‍જિનિયર્સ, આર્મી એર ડિફેન્‍સ, આર્મી ઓર્ડનન્‍સ કોર્પ્‍સ, ઇન્‍ટેલિજન્‍સ કોર્પ્‍સ, આર્મી સર્વિસ કોર્પ્‍સનો સમાવેશ થાય છે. આ માટે ૨૪૪ મહિલા અધિકારીઓની વિચારણા કરવામાં આવી છે. શોર્ટલિસ્‍ટ કરાયેલી ૨૪૪ મહિલાઓ ૧૯૯૨થી ૨૦૦૬ બેચની છે. હાલમાં તે સેનામાં લેફ્‌ટનન્‍ટ કર્નલ છે. કર્નલના હોદ્દા પર બઢતી મેળવીને તે તેના પુરૂષ સાથીદારોની બરાબરી પર આવી જશે. આ સિવાય એકમોને આદેશ આપવા માટે પણ અધિકળત કરવામાં આવશે.

 વિશેષ નંબર ૩ પસંદગી મંડળની આ ખાલી જગ્‍યા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. સરકારનું આ પગલું સેનામાં મહિલા અધિકારીઓની જીત છે, જેઓ લાંબા સમયથી પોતાના અધિકારો માટે લડી રહી હતી. સેનામાં મહિલાઓ અને પુરૂષો વચ્‍ચે સમાનતા (લિંગ સમાનતા) સુનિતિ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

 રિપોર્ટ અનુસાર પ્રમોશન માટે ચાલી રહેલી પસંદગી પ્રક્રિયામાં ૬૦ મહિલાઓને નિરીક્ષક બનાવવામાં આવી છે. તેઓ પસંદગી મંડળનો ભાગ છે, જેથી પસંદગી પ્રક્રિયામાં કોઈ ભેદભાવ ન થાય. આ એવી મહિલાઓ છે જેઓ સેનામાં પુરૂષો અને મહિલાઓ માટે બનાવેલા નિયમોથી એક યા બીજી રીતે પ્રભાવિત થયા છે.

(5:40 pm IST)