Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વારાણસીમાં યોજાયેલુ અનોખા પ્રકારનું ‘કાશી બલુન એન્‍ડ બોટ ફેસ્‍ટીવલ'

વારાણસી તા. ૨૦ : હિન્‍દુ પૌરાણિક કથાઓ અનુસારᅠમહાદેવની નગરી તરીકે ઓળખાતા આજના કાશી એટલે કે પ્રાચીન યુગના વારાણસીની સ્‍થાપના ત્રણ મુખ્‍ય દેવતાઓ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશમાંના એક શિવ દ્વારા કરવામાં આવી હતીᅠજે હાલમાં ભારતના ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે આવેલું છે.

આજનું કાશી હજારો વર્ષોથી ઉત્તર ભારતનું સાંસ્‍કૃતિક કેન્‍દ્ર રહેલું છે અને ગંગા નદી સાથે તેને ગાઢ નાતો રહેલો છે. તેને પ્રાચીન યુગમાં વારાણસી તરીકે પણ ઓળખવામાં આવે છે જે સપ્તપુરી અર્થાત દેશના સાત પવિત્ર શહેરો અયોધ્‍યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચીપુરમ, ઉજ્જૈન અને દ્વારકામાં સૌથી પવિત્ર તીર્થધામ તરીકે નામના પામેલું એક એતિહાસિક તીર્થસ્‍થાન છે.

જગતગુરૂ આદિ શંકરાચાર્યએ ૮મી સદીમાં જયારે કાશીના સત્તાવાર સંપ્રદાય તરીકે શિવની ઉપાસનાની સ્‍થાપના કરી હતી ત્‍યારથી આ શહેરનું ધાર્મિક મહત્‍વ ખુબજ વધી ગયું છે.

ભારતના આવા સૌથી પ્રાચીન અને એતિહાસિક નગર વારાણસીમાં તારીખ ૧૭મી જાન્‍યુઆરીથી સતત ચાર દિવસો સુધી ‘કાશી બલુન એન્‍ડ બોટ ફેસ્‍ટીવલ'નું આયોજન કરવામાં આવ્‍યું છે જેને ઉતર પ્રદેશની યોગી સરકારે એક ઉત્‍સવ (કાર્નિવલ) એટલે કે તહેવારમાં તબદીલ કરી નાખ્‍યું છે.

વારાણસીમાં યોજાયેલી આ ખાસ પ્રકારની ‘બોટ રેસ ઇવેન્‍ટ' અને ‘હોટ એર બલૂન' ફેસ્‍ટિવલમાં અન્‍ય પ્રકારની સાહસિક રમતો અને પ્રવૃત્તિઓ પણ જોવા મળશે.

ઉતર પ્રદેશ રાજયના પ્રવાસન વિભાગે આ ફેસ્‍ટિવલનો લોગો પહેલેથી જ બહાર પાડી દીધો છે અને વારાણસીના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર ફોર ટુરીઝમ પ્રીતિ શ્રીવાસ્‍તવે એવી જાહેરાત પણ કરી છે કે તેમણે ત્‍યાં યોજાનારી આ ‘કાશી બલુન એન્‍ડ બોટ ફેસ્‍ટીવલ' એ વર્ષમાં બનેલી  સૌથી સાહસિક અને એતિહાસિક ઘટનાઓમાંની એક બનીને રહેશે.

પ્રાચીન નગરી વારાણસીની યજમાની હેઠળ તારીખ ૧૭મી જાન્‍યુઆરીએ શરૂ થયેલી આ બોટ રેસિંગ ઈવેન્‍ટ વારાણસીના પ્રખ્‍યાત દશાશ્વમેધ ઘાટથી શરૂ થઈ હતી.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને ઉત્‍સવનું આયોજન કરનારા  સત્તાવાળાઓની અપેક્ષા મુજબ આ બોટ રેસિંગ ઈવેન્‍ટમાં લોકોની અતિથી ભારે ભીડ એકઠી થઇ હતી અને સ્‍થાનિક અધિકારીઓના જણાવ્‍યા મુજબ સ્‍થાનિક બોટમેન મોટાભાગે માઝી સમુદાયની સ્‍પર્ધાઓ માટે તેમને કુલ ૧૨ ટીમોમાં વિભાજિત કરવામાં આવ્‍યા છે જેમાં અન્‍ય એવા રાજયોના નિષ્‍ણાતોને પણ જોડવામાં આવ્‍યા છે કે જયાં બોટ રેસિંગ મુખ્‍ય પ્રવાહની રમત છે.ᅠઆ ઉપરાંત આ બોટ રેસને અત્‍યંત પ્રોફેશનલ ટચ આપવા માટે તેમજ આ સમગ્ર ઇવેન્‍ટને વધુ ખેલદીલીવાળી બનાવવા માટે તેઓને બોટની ટીમોમાં પણ સામેલ કરવામાં આવ્‍યા છે.

આ બોટ રેસિંગ ઈવેન્‍ટમાં ભાગ લેનારી આ ૧૨ ટીમોને ગંગાપુત્ર, કાશી લહેરી, નાવિક સેના, જલ યોદ્ધા, ગંગા લાહિરી, કાશી કીપર્સ, નૌકા રાઇડર્સ, ગંગા વાહિની, જલ સેના, ભાગીરથી સેવક, ઘાટ કીપર્સ અને હૌમુખ જાયન્‍ટ્‍સ જેવા નામો આપવામાં આવ્‍યા છે અને ૩ કિલોમીટરથી વધુના વિસ્‍તારમાં થનારી આ રેસ દશાશ્વમેધ ઘાટથી શરૂ થઈને રાજ ઘાટ, કાશી વિશ્વનાથ ધામ, મહેતા ઘાટ અને પંચ ગંગા ઘાટને પણ આવરી લઈને તેના લક્ષયાંક સ્‍થળે પહોચીને પૂરી થશે.

ᅠહોટ એર બલૂન ફેસ્‍ટિવલની વાત કરીએ તો વારાણસી બીજી વખત આ ફેસ્‍ટિવલનું આયોજન કરશે અને આ ઉજવણીને બની શકે તેટલી વધુમાં વધુ શાનદાર બનાવવા માટે ઉત્તર પ્રદેશ પ્રવાસન એજન્‍સીએ પાંચ અલગ અલગ રાષ્ટ્રોના સંગઠનો અને પાંચ અલગ અલગ રાષ્ટ્રોના પાઇલોટ્‍સ તેમજ ભારતના ૧૨ જુદા જુદા પ્રદેશોના સહભાગીઓને પણ આમંત્રિત કર્યા છે જેમાં સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓથી માંડીને અમેરિકા, બ્રિટન, ઇટાલી, પોલેન્‍ડ અને  ફિનલેન્‍ડના પાયલોટોનો સમાવેશ  થાય છે.

વારાણસીના ભેલુપુર ખાતે આવેલી રામનગરની સેન્‍ટ્રલ હિંદુ બોયઝ સ્‍કૂલ અને બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)નું મેદાન આ હોટ એર બલુન એટલે કે વિરાટકાય ફુગ્‍ગાઓના ટેકઓફ અને લેન્‍ડિંગ માટેના સ્‍થળો તરીકે નક્કી કરવામાં આવ્‍યા છે.

ᅠઆ હોટ એર બલુન રાઈડને પ્રાદેશિક પ્રવાસન વિભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જેમાં ૫ થી ૭ કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવે છે અને બલૂનનું સંચાલન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાયલોટ દ્વારા કરવામાં આવે છે.

આ હોટ એર બલૂનમાં મુસાફરી કરવાની   ટિકિટ ભારતીય કરન્‍સી મુજબ વ્‍યક્‍તિ દીઠ માત્ર રૂપિયા ૫૦૦ રાખવામાં આવેલ છે જેમાં મુસાફરી કરનાર લગભગ ૪૫ મિનિટ એટલે કે પોણો કલાક સુધી વારાણસી અને તેની આસપાસના નદી કિનારાઓનું વિહંગાવલોકન કરીને આ બલુન રાઈડનો આનંદ માણી શકશે અને આ મુસાફરી દરમ્‍યાન ધરા પર લહેરાતી લીલીછમ હરિયાળીથી લઈને સુંદર તળાવો સુધીના શહેરની આસપાસના અલભ્‍ય નયનરમ્‍ય દૃશ્‍યો જોવાનો અને તેમને ભરપુર રીતે આનંદથી માણવાનો લહાવો લઇ શકશે.

કમલ એફ. જારોલી

એડવોકેટ એન્‍ડ નોટરી, મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:11 pm IST)