Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હું કોઈની દયા પર બેઠો નથી,ચૂંટાયેલો અધ્યક્ષ છું, મારૂ મોંઢૂ ખોલીશ તો સુનામી આવશે બ્રિજભૂષણ શરણ સિંહ

રિજ ભૂષણ શરણ સિંહે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ આ મુદ્દે વિગતવાર વાત કરશે

નવી દિલ્હી : ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને વિવાદોમાં ઘેરાયેલા બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાના સવાલ પર કહ્યું છે કે તેઓ કોઈની કૃપાના આધારે આ પદ પર નથી.

બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ સાંજે 5 વાગ્યે આ મુદ્દે વિગતવાર વાત કરશે.

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા દેશના કેટલાય મેડલ વિજેતા કુશ્તી ખેલાડીઓએ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં જાતીય સતામણીના આરોપોનો સમાવેશ થાય છે.

ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના વિસર્જનની માંગ કરી રહ્યા છે.

તેમણે આ મામલે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત મંત્રાલયના અનેક અધિકારીઓ સાથે પણ વાત કરી છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહે આજે સંકેત આપ્યો કે તેઓ તેમની માંગને વધારે મહત્વ આપી રહ્યા નથી.

બ્રિજ ભૂષણ સિંહે આજે મીડિયાને જણાવ્યું હતું કે, “હું કોઈની દયા પર બેઠો નથી. હું ચૂંટાયેલો અધ્યક્ષ છું.”

જ્યારે બ્રિજભૂષણ સિંહને પૂછવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ દાવો કર્યો છે કે જો તેઓ ‘પોતાનું મોં ખોલશે તો ભૂકંપ આવી શકે છે’ તો બ્રિજભૂષણ સિંહે કહ્યું, ‘જો હું મારૂ મોંઢૂ ખોલીશ તો સુનામી આવશે.’

પત્રકારોના સતત સવાલો પર બ્રિજ ભૂષણે કહ્યું કે, જો હું મારી જાતને રૂમમાં બંધ કરી લઉં તો શું તમને સંતોષ થશે?આ પછી તેણે કહ્યું કે તે સાંજે પાંચ વાગ્યે પોતાનો પક્ષ રજૂ કરશે.

(12:38 am IST)