Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ રાજ્યોની મુલાકાત લઈ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ મીએ કેરળ, ૨૮ મીએ પશ્ચિમ બંગાળ, ૧લી માર્ચે તમિલનાડુ અને બે માર્ચે આસામની મુલાકાત લેશે

નવી દિલ્હી, તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બે સપ્તાહમાં ચૂંટણી યોજાવાની છે તેવા પાંચ રાજ્યોની તાબડતોડ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ ફેબ્રુઆરીએ કેરળ, ૨૮ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, ૧લી માર્ચે તમિલનાડુ અને બે માર્ચના આસામની મુલાકાત લેશે. પીએમ ૭ માર્ચના કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ જાહેરસભાને સંબોધશે. ભાજપની આ મેગા રેલીમાં લાખોની જનસંખ્યા એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ દિવસે પશ્ચિમ બંગાળમાં જુદા જુદા સ્થળેથી નિકળેલી ભાજપની પાંચ પરિવર્તન યાત્રાનું સમાપન પણ થશે. એવી સંભાવના છે કે ચૂંટણી પંચ માર્ચના પ્રથમ સપ્તાહમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણની જાહેરાત કરશે.

પીએમ મોદીએ ચાલુ મહિનાના પ્રારંભે જ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી જેમાં તેમણે મમતા બેરનજી પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે બંગાળનું રાજકારણ જ તેની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે. મમતા બેનરજીના શાસનમાં કોમ્યુનિઝમ (સામ્યવાદ)નો પુર્નજન્મ થયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા સરકારની પ્રથમ ટર્મમાં જ સ્પષ્ટ થી ગયું કે, બંગાળને જે મળ્યું છે તે પરિવર્તન નથી, લેફ્ટનો પુર્નજન્મ છે અને તે પણ વ્યાજ સાથે. ડાબેરી શાસનનો પુર્નજન્મ એટલે ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને આરોપીઓ, હિંસા અને લોકશાહી પર હુમાલાનો પુર્નજન્મ. જેનાથી બંગાળમાં ગરીબીમાં ઉત્તરોત્તર વધારો થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બંગાળ પહેલા જેટલું આગળ હતું, વિતેલા દશકામાં પણ આ જ ગતિએ આગળ વધ્યું હોત તો આજે પશ્ચિમ બંગાળ ઘણું આગળ પહોંચ્યું હોત. આજે રાજ્યમાં જેટલા ઉદ્યોગો છે, જેટલા ધંધાઓ છે જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બદલાવ માંગે છે, આધુનિકીકરણ ઈચ્છે છે. વિતેલા એક દાયકામાં રાજ્યની સરકારે કેટલી ફેક્ટરીઓનો શિલાન્યાસ કર્યો? તે સ્ટીલ પ્લાન્ટનું શું થયું જે અહીંની અરાજક વ્યવસ્થાને કારણે શરૂ જ ના થઈ શક્યો?

પહેલા પશ્ચિમ બંગાળ પર કોંગ્રેસે શાસન કર્યું અને ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હતો. બાદમાં ડાબેરીઓનું શાસન લાંબા સમય સુધી રહ્યું, તેમણે ભ્રષ્ટાચાર, અત્યાચાર વધારવાની સાથે વિકાસ ઉપર બ્રેક લગાવી દીધી. ૨૦૧૧માં સમગ્ર દેશની નજર બંગાળ પર હતી. મમતા દીદીએ બંગાળમાં પરિવર્તનનું વચન આપ્યું હતું અને પ્રજાએ વિશ્વાસ પણ કર્યો પરંતુ પશ્ચિમ બંગાળને મમતાની જગ્યાએ નિર્મમતા મળી.

(12:00 am IST)