Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કારમાં કોકીન લઇ જતી ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામી ઝડપાઇ : તેણીના સહયોગી અને ભાજપના નેતા પ્રબીર કુમાર ડેની પણ ધરપકડ

ડ્રગ્સની લેવડ-દેવડમાં સામેલ પામેલાને લાખો રૂપિયાના કોકીનની સાથે રંગેહાથ ઝડપી લેવાઈ : તેની સાથે કેન્દ્રીય સુરક્ષાદળનો જવાન પણ હતો

કોલકતા : ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે તે પોતાની કારની અંદર કોકીન લઇને જઇ રહી હતી. પોલીસે તેના દોસ્ત પ્રોબિર કુમારને પણ ન્યૂ અલીપુર વિસ્તારમાં એનઆર એવેન્યૂથી ઝડપ્યો છે. ભાજપ યુવા મોરચાની સુપરવાઇઝર અને હુગલી જિલ્લાની મહાસચિવ પામેલા ગોસ્વામીને કોલકાતાના ન્યૂ અલીપુરથી લાખો રૂપિયાના કોકીનની સાથે ઝડપી લેવામાં આવી. મહિલા નેતાની કારમાંથી અનેક માત્રામાં ગેરકાયદેસર ડ્રગ્સ મળ્યું હતુ.

પોલીસને પહેલાથી જ બીજેપી નેતા પામેલાની ડ્રગ્સ લતની જાણકારી હતી. તેના નજીકના સહયોગી અને ભાજપના નેતા પ્રબીર કુમાર ડેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચેકિંગ દરમિયાન ન્યૂ અલીપુરમાં રસ્તા પર તેની કાર રોકી અને તેની તપાસ કરી અને પામેલાની બેગ અને કારથી 100 ગ્રામ કોકીન જપ્ત કર્યું. પકડાયેલી કોકીનની બજારમાં કિંમત લાખોમાં છે.

તેની સાથે એક કેન્દ્રીય સુરક્ષાદળનો જવાન પણ હતો, જે તેની સુરક્ષામાં તૈનાત હતો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ અધિકારીઓને લાંબા સમયથી પામેલા પર ડ્રગ્સની લેવડ-દેવડમાં સામેલ હોવાનો શક હતો. પામેલા ઘણીવાર એક જગ્યાએ રોકાતી હતી અને તે કોકીનની લેવડ-દેવડ કરતી હતી. પોલીસ ઘણા સમયથી પામેલાની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી, ત્યારબાદ આજે તેની રંગેહાથ ધરપકડ કરવામાં આવી.

(12:19 am IST)