Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પંજાબ સ્થાનિક સ્વરાજમાં ભાજપના કારમાં પરાજય બાદ અમિતભાઈએ કહ્યું અમે અમારી પાર્ટીને આગળ વધારીશું

ગૃહમંત્રીએ કહ્યું પંજાબમાં આવનારા સમયમાં તેમની પાર્ટીનો રોલ મોટો થવાનો છે

 

પંજાબ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે કહ્યું કે આવનારા સમયમાં તેમની પાર્ટીનો રોલ મોટો થવાનો છે.અત્યાર સુધી આ રોલ મર્યાદિત હતો. ખેડૂત આંદોલનની વચ્ચે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બઠિંડા, હોંશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા તથા પઠાનકોટમાં જબરજસ્ત જીત મળી છે. શાહે કોલકત્તામાં આયોજિત એક કાર્યક્રમમાં ખેડૂત આંદોલન, એમએસપી વગેરે વિશે વાત કરી છે.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પંજાબ ચૂંટણી પર પૂછાયેલા સવાલમાં શાહે કહ્યું કે પંજાબમાં અત્યાર સુધી અકાળી દળ અને ભાજપનું ગઠબંધન હતુ. લિમિટેડ રોલ હતો. હવે પંજાબમાં અમારો રોલ મોટો થશે. જો કે આ કામ કોઈ રાતો રાત નથી થતુ. ચૂંટણીના પરિણામોને આની સાથે ન જોડવામાં આવે.અમારી પાર્ટી અનેક ચૂટણી જીતી પણ છે. જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, લેહ લદ્દાખમાં અમે જીત્યા છે. પંજાબમાં નહોંતા. અમે અમારી પાર્ટીને આગળ વધારીશું. અમે એ લોકોને મનાવીશું તે સાચી વાત કરે છે.

દિલ્હીની અનેક બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને શાહે કહ્યું કે એમએસપી વિશે અમે સ્પષ્ટ કરી દીધું છે તે ચાલુ રહેશે. પહેલા એમએસપી પર કાયદો ન હોતો પરંતુ અત્યાર સુધી આંદોલન કેમ ન થયું. અમે એમએસપી પર ખરીદી દોઢ ગણી વધારે કરી છે. પરંતુ યુપીએના સમયે આંદોલન નહોતા થતા. જો કાયદામાં ક્યાંય ખામી છે તો અમે તેમાં ફેરફાર કરવા તૈયાર છીએ

બુધવારે આવેલા પરિણામોમાં 7 નગર નિગમોમાંથી 6માં રાજ્યમાં સત્તારુઢ કોંગ્રેસે જીત મેળવી છે અને 7માં નગર નિગમમાં પાર્ટી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. આ ઉપરાંત પાર્ટીએ 109 નગર પરિષદ તથા નગર પંચાયતોમાં પણ મોટા સ્તર પર જીત મેળવી છે. આ રીતે શહેરમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષી દળોના સુપડા સાફ થઈ ગયા છે. આ સ્તર પર 1817 વોર્ડમાં કોંગ્રેસને 1102 વોર્ડ પર જીત મળી છે. શિઅદને 252, આપને 51, ભાજપને 29 તથા બસપાને 5 સીટો મળી છે. આ ઉપરાંત 374 નિર્દલીય ઉમેદવારોની જીત થઈ છે

પંજાબની સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં મળેલી હાર પર કૃષિ મંત્રી તોમરએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુરુવારે કહ્યું કે મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોને ખેડૂત આંદોલન સાથે જોડવું યોગ્ય નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોને ખેડૂત આંદોલન સાથે જોડવું યોગ્ય નથી. અમે પંજાબમાં નબળા હતા અને અકાલી દળની સાથે ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ આ વખતે અલગથી લડી રહ્યા છીએ. જેના કારણે અમને નુકસાન થયું. તોમર આસામમાં ભાજપના ચૂંટણી પ્રભારી છે. જ્યાં ભાજપની સરકાર છે અને ફરી સત્તામાં આવવાનો પડકાર છે. આ ઉપરાંત તોમરે કહ્યું કે અમે પ્રદર્શનકારી ખેડૂતોના નિયમિત સંપર્કમાં છીએ. ભારત સરકાર કાયદાની જોગવાઈ, દર જોગવાઈ પર ચર્ચા કરવા તૈયાર છે.

(12:30 am IST)