Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભારતની વેકસીને જીત્યુ દુનિયાનું દિલ : અન્ય ૪૯ દેશોને કરશે સપ્લાય

વૈશ્વિક સ્તરે ભારતની ઉદારતાની નોંધ લેવાઇ : આંતરરાષ્ટ્રીય અખબારોમાં ભારત છવાયુ : કોરોના સામે વિશ્વ સમસ્તે આદરેલી લડાઇમાં ભારતે બાજી મારી : વૈશ્વિક સ્તરે ભારતની આ ઉદારતાની નોંધ લેવાઇ : આંતરરાષ્ટ્રીય અખબારોમાં ભારત છવાયું

નવી દિલ્હી તા. ૨૦ : કોરોનાની લડાઈમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેકસીનના ડોઝ આપવા માટે ભારતના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. આ સાથે અનેક અમીર દેશ પોતાના નાગરિકો માટે વેકસીનના ડોઝ જમા કરી રહ્યા છે. ભારતે પાડોશી દેશોને વેકસીનનો સપ્લાય કર્યા બાદ હવે તે કેરેબિયાઈ દેશોને વેકસીન આપી રહ્યું છે.

રિપોર્ટના આધારે કોરોનાની લડાઈમાં કેરેબિયાઈ દેશ પાછળ રહી ગયા છે પરંતુ ભારતની તરફથી તેમને વેકસીનના સપ્લાયની મદદ કરાશે. ભારત સરકારે હાલમાં પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાંર, સેશેલ્સ અને માલદીવને વેકસીનનો સપ્લાય આપ્યો છે અને આ દેશોને વેકસીન વેચી પણ છે. ભારતમાં બનેલી વેકસીન અન્ય દેશોને ચીનની વેકસીનની સરખામણીએ વિકલ્પ આપી રહી છે. બીજિંગ પણ પોતાની વેકસીનને આખી દુનિયામાં વેચવાની કોશિશમાં છે. વિદેશ મંત્રાલયના આધારે ભારતની યોજના હવે લેટિન અમેરિકા, કેરેબિયાઈ દેશો, એશિયા અને આફ્રિકા મહાદ્વીપની સાથે કુલ ૪૯ દેશમાં વેકસીનનો સપ્લાય કરવાની છે. આ વેકસીન ફ્રીમાં આપવામાં આવશે. ભારતે વેકસીન ફ્રેન્ડશીપના આધારે ૨૨.૯ મિલિયન વેકસીન ડોઝ વહેંચ્યા છે. દેમાંથી ૬૪.૭ લાખ ડોઝ અનુદાનમાં આપ્યા છે. ભારતે ડોમિનિકાને ૭૦ હજાર ડોઝ આપ્યા છે. આ સાથે ૩૦,૦૦૦ ડોઝ ગિફટમાં આપ્યા છે. વેકસીનના આ ડોઝ ડોમિનિકાી આબાદી માટે પૂરતા છે. ભારતે સંયુકત રાષ્ટ્ર શાંતિ મિશન માટે ૨ લાખ ડોઝને ગિફટ આપવાનો વાયદો કર્યો છે.

 ભારતની વેકસીન ડિપ્લોમસીના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ  અને ઈન્ટરનેશલ મીડિયાએ પણ ભારતના દિલ ખોલીને વખાણ કર્યા છે. વૈશ્વિક વેકસીન ડિપ્લોમસીની રેસમાં ભારત સૌને ચોંકાવીને લીડ બનીને સામે આવી રહ્યું છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત દુનિયાના બેજોડ વેકસીન નિર્માતા પોતાના પાડોશી દોસ્તો અને ગરીબ દેશોને કરોડોની સંખ્યામાં વેકસીન આપી રહ્યું છે ભારત ચીનને કાઉન્ટર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે કોરોના વાયરસ વેકસીનને વૈશ્વિક સંબંધોમાં કેન્દ્રમાં રાખી છે.

(10:18 am IST)