Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભારતને કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે ફીલ્ડ હોસ્પિટલ

યૂએઈ અને મીડલ ઈસ્ટ સહિતના દેશોએ ફીલ્ડ હોસ્પિટલો બનાવીને કોરોના સામેની લડાઈનું ઉદાહરણ પૂરૂ પાડયું છે

નવી દિલ્હી, તા.૨૦: ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેર નો સામનો કરી રહ્યું છે. હોસ્પિટલમાં બેડ નથી, ઓકિસજન અને રેમડેસિવીર ઇન્જેકશનની પણ અછત છે. અનેક રાજયમાં કોરોનાને કારણે અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ વચ્ચે સામાન્ય માણસ ફફડી ગયો છે. કોરોના સામે લડવા માટે હાલ વેકસીનેસન પણ જોરશોરથી ચાલુ રહ્યું છે. બીજી તરફ નિષ્ણાતો પણ કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકવું તેના પ્રયાસમાં લાગ્યા છે. મહામારીમાં નિષ્ણાતો પરંપરાગત રસ્તાઓ ઉપરાંત અન્ય ઉપાયો પણ સૂચની રહ્યા છે. એવામાં કોરોના મહામારીના વમળમાંથી બહાર નીકળવા માટે ફીલ્ડ હાઙ્ખસ્પિટલોની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.

કોરોના મહામારી વકરવાને કારણે પહેલેથી જ અન્ય બીમારીથી પીડિત દર્દીઓને ખૂબ તકલીફ પડી રહી છે. બીજી તરફ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી નવી મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે આવા દર્દીઓની રોગ પ્રતિકારક શકિત પહેલાથી જ ઓછી હોય છે. તેઓ પહેલાથી જ કોઈ અન્ય બીમારી સામે લડી રહ્યા હોય છે અને કોરોના બાદ જો સમયસર સારવાર ન મળે તો વધારે મુશ્કેલ થઈ રહી છે.

ઇન્ડિયન એકસપ્રેસમાં બે નિષ્ણાતોએ એક લેખ લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ભારતે હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ફીલ્ડ હોસ્પિટલોનો રસ્તો અપનાવવો જોઈએ. આવી હાઙ્ખસ્પિટલો ઝડપથી ઊભી કરી શકાય છે અને ગંભીર દર્દીઓની મુશ્કેલી ઓછી કરી શકાય છે. યૂએઈ અને મીડલ ઈસ્ટ સહિતના દેશોએ ફીલ્ડ હોસ્પિટલો બનાવીને કોરોના સામેની લડાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભારતમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન આવી અસ્થાયી હોસ્પિટલો બનાવવામાં આવી હતી. જોકે, મીડલ ઈસ્ટની ફીલ્ડ હોસ્પિટલોમાં વધારે સુવિધા હતી. આવી વ્યવસ્થિત હોસ્પિટલો શહેરના બહારના ભાગમાં થોડા સમયમાં તૈયાર કરી શકાય છે. જેનાથી શહેરની અન્ય હોસ્પિટલો પર ભારણ ઓછું થશે. સાથે જ શહેરમાં સંક્રમણનો ડર પણ ઓછો થશે.

ફીલ્ડ હોસ્પિટલોનું ઉત્તમ ઉદારણ યૂએઈએ રજૂ કર્યું છે. ખલીઝ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે દુબઈ હેલ્થ ઓથોરિટીના ડાયરેકટર જનરલ હુમૈદ અલ કુતામીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દુબઈમાં બે ફીલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. દરેક હોસ્પિટલમાં ચારથી પાંચ હજાર બેડની વ્યવસ્થા હતી. એટલે કે ફકત બે જ હોસ્પિટલમાં ૧૦ હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ત્રણ હજાર બેડની હોસ્પિટલમાં બદલી દેવાયું હતું.

આ દરમિયાન ભારતમાં પણ આવા પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોનાની સારવાર માટે ડીઆરડીઓ તરફથી દિલ્હી અને અમદાવાદ ખાતે હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે ૯૦૦ બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ આવી એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. આ સાથે જ રક્ષા મંત્રાલયે લખનઉમાં આવી બે અસ્થાયી હોસ્પિટલ ઊભી કરવાનો આદેશ કર્યો છે.

ઇન્ડિયન એકસપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી લહેર એટલી પ્રચંડ છે કે ફીલ્ડ હોસ્પિટલોની વધારે જરૂર છે. સામાન્ય હોસ્પિટલો પર ઊભા થયેલા ભારણને ફિલ્ડ હોસ્પિટલોથી ઘટાડી શકાય છે. આવું કરીને મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ બચાવી શકાય છે.

(10:19 am IST)