Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

લાલુ યાદવની મુશ્‍કેલીઓ ફરી વધીઃCBIએ નોંધ્‍યો કેસઃ ૧૭ જગ્‍યાએ દરોડા

રેલ્‍વે ભરતી કૌભાંડ : ચારા કૌભાંડમાં જામીન મળ્‍યા બાદ જેલમાંથી બહાર આવેલા લાલુ સામે સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો છેઃ રાબડી -મીસાને ત્‍યાં પણ દરોડા

પટના, તા.૨૦: બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાષ્‍ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની મુશ્‍કેલીઓ ફરી વધી છે. હાલમાં જ ઘાસચારા કૌભાંડમાં જામીન મળ્‍યા બાદ જેલમાંથી બહાર આવેલા લાલુ વિરુદ્ધ સીબીઆઈએ નવો કેસ નોંધ્‍યો છે. તેમના ૧૭ સ્‍થળો પર દરોડા પણ ચાલુ છે. રાબડીદેવીના નિવાસે પણ દરોડા પડયા છે દરોડા પટણા, ગોપાલગેન્‍ગ, દિલ્‍હી ખાતે પડયા છે. સીબીઆઇએ આ કાર્યવાહી ભ્રષ્‍ટાચારના એક કેસ સંદર્ભે કરી છે.

અધિકારીઓએ કહ્યું કે આ મામલો ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. જ્‍યારે તેઓ બિહારના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે આવું કરવામાં આવ્‍યું હતું. આ દરોડો ‘રેલ્‍વેમાં નોકરી માટે જમીન' કૌભાંડમાં કરવામાં આવ્‍યો છે.

૭૩ વર્ષીય નેતાને તાજેતરમાં ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં જામીન મળ્‍યા છે. ઘાસચારા કૌભાંડનો આ છેલ્લો કેસ છે જેમાં તેને જામીન મળી ગયા છે અને જેલમાંથી બહાર આવ્‍યા છે. તેઓ લાંબા સમયથી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

CBIના દરોડા વચ્‍ચે લાલુ યાદવની પત્‍ની અને પૂર્વ મુખ્‍યમંત્રી રાબડી દેવીના ઘરની બહાર મોટી સંખ્‍યામાં પોલીસ દળ તૈનાત છે. લાલુ યાદવ ૧૯૯૦ થી ૧૯૯૭ સુધી બિહારના મુખ્‍યમંત્રી હતા

(10:06 am IST)