Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

આઝમ ખાન ૨૭ મહિના બાદ સીતાપુર જેલમાંથી બહાર આવ્‍યા

છેતરપિંડીના કેસમાં જેલમાં હતા

લખનૌ તા. ૨૦ : સુપ્રીમ કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આજરોજ સીતાપુરથી જેલમાંથી બહાર આવી ગયા છે. ૨૭ મહિનાથી જેલમાં રહેલા આઝમ ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્‍યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર થયા બાદ ગઈ કાલે રામપુરની એક વિશેષ અદાલતે આઝમ ખાનની મુક્‍તિ માટે સીતાપુર જેલ પ્રશાસનને પત્ર મોકલ્‍યો હતો. બીજી તરફ આઝમ ખાનની મુક્‍તિ દરમિયાન સીતાપુર જેલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે.

આ સાથે આઝમ ખાનની મુક્‍તિ પર શિવપાલ સિંહ યાદવે કહ્યું કે, અમે લોકો સમાજવાદી છીએ. મુલાયમ સિંહ યાદવે અમને શીખવ્‍યું છે કે, આપણે સુખ-દુઃખમાં સાથ આપીએ. આ સાથે જયારે એમ પૂછવામાં આવ્‍યું કે શું અખિલેશ યાદવ આઝમ ખાનને મળશે કે નહીં, તો ભ્‍લ્‍ભ્‍ નેતાએ કહ્યું કે અખિલેશને પૂછો.આ સાથે આઝમ ખાનને લેવા માટે પ્રસપા નેતા શિવપાલ સિંહ યાદવ, સપા ધારાસભ્‍ય અને તેમના પુત્રો અબ્‍દુલ્લા આઝમ અને આશુ મલિક સીતાપુર જેલ પહોંચ્‍યા છે. બિલારીના સપા ધારાસભ્‍ય મોહમ્‍મદ ફહીમ પણ અબ્‍દુલ્લા આઝમની સાથે પહોંચ્‍યા હતા. આ સાથે પિતાની મુક્‍તિ પર તેમના પુત્ર અબ્‍દુલ્લા આઝમે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્‍યાય આપ્‍યો છે.

 આઝમ ખાન ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં જમીન હડપવા સહિત અન્‍ય ઘણાં કેસને લઇને જેલમાં બંધ હતા. તેઓની સામે લગભગ ૯૦ કેસ નોંધાયેલા છે. તેઓને ૮૮ કેસમાં જામીન મળી ચૂક્‍યાં છે. તેઓ ફેબ્રુઆરી ૨૦૨૦ થી જેલમાં હતાં. તેમની મુક્‍તિ પહેલાં સીતાપુર જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

(10:51 am IST)