Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કોંગ્રેસ ધડાકાના મૂડમાં : સાંજ સુધીમાં મોટી જાહેરાત ?

હાર્દિક પટેલનો જવાબ નરેશ પટેલ : નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું કાઉન્‍ટ ડાઉન ? દિલ્‍હીમાં બેઠકોના દોર : બપોર પછી મળશે સોનિયા - રાહુલને : મોટા કમીટમેન્‍ટની ચર્ચા

નવી દિલ્‍હી તા. ૨૨ : સૌરાષ્‍ટ્રના પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને લઇને આજે સાંજ સુધીમાં મોટા સમાચાર બહાર આવે તેવી શક્‍યતા છે. દિલ્‍હીમાં ચર્ચાતી વિગતો અનુસાર કોંગ્રેસ હાર્દિકનો જવાબ નરેશ પટેલથી આપવા માંગે છે. એવું ચર્ચાય છે કે નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશનું કાઉન્‍ટડાઉન શરૂ થયું છે. દિલ્‍હીમાં બેઠકોના દોર ચાલુ છે.

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ આજે બપોરે ૩ાા વાગ્‍યા પછી સંભવતઃ ૧૦ જનપથ ખાતે કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને મળી રહ્યાનું જાણવા મળે છે. આ મુલાકાત સમયે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી રાહુલ ગાંધી પણ હાજર રહેશે. પ્રિયંકા ગાંધી ઉપસ્‍થિત રહેશે કે કેમ તે અંગે જાણવા મળતુ નથી. નરેશભાઈ આજે સવારે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી શ્રી રઘુ શર્મા સાથે દિલ્‍હી પહોંચી ગયા હતા અને વરિષ્‍ઠ કોંગ્રેસી આગેવાનો સાથે મંત્રણાઓ કરી રહ્યા છે. કોઈ મોટા ‘કમીટમેન્‍ટ' સબબ આ મુલાકાત ગોઠવાઈ રહ્યાનુ પણ જાણવા મળે છે. નરેશભાઈનું કોંગ્રેસમાં આગમન ધીમે ધીમે નક્કર સ્‍વરૂપ લેતુ જાય છે તેમ રાજકીય પંડિતો જણાવે છે. મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા કે કેમ તે અંગે આ મંત્રણા યોજાયાનું ચર્ચાય છે.

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલનો દોર ચાલી રહ્યો છે ત્‍યાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ ફરી એક વખત દિલ્‍હીની મુલાકાતે છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રઘુ શર્મા સાથે દિલ્‍હીમાં છે. ત્‍યાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. જો આજે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની હા પાડે તો તેઓને પાર્ટીમાં આવકારવાની તૈયારીઓ શરૂ થશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં નરેશ પટેલ કોંગ્રેસનો હાથ થામશે. જાણવા મળી રહ્યું છે કે તેમણે મોટા કમિટમેન્‍ટ સાથે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી છે. આ અંગે ગણતરીના કલાકોમાં જાહેરાત કરવામાં આવી શકી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્‍યા અનુસાર નરેશ પટેલ આજે દિલ્‍હીમાં છે અને તેમના કોંગ્રેસ પ્રવેશનો તખ્‍તો અંતિમ તબક્કામાં છે. છેલ્લાં બે મહિનાથી ચલકચલાણું રમાડી રહેલાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવી જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ જાય એવી શક્‍યતા બળવત્તર છે.

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્‍યા પછી કોંગ્રેસ પાટીદાર વિરોધી હોવાના આક્ષેપો કર્યા છે. હાર્દિક ભાજપમાં જોડાઈને આવા આક્ષેપોને વધુ ધાર કાઢે એ પહેલાં જ કોંગ્રેસ તેની હવા કાઢી નાંખવા માંગે છે. આથી નરેશ પટેલ સાથે જે કેટલીક શરતો પર ચર્ચા અટકી ગઈ હતી એ શરતો કોંગ્રેસે સ્‍વીકારી લીધાનું જાણવા મળે છે. એ મુજબ નરેશ પટેલને મુખ્‍યપ્રધાનપદનો ચહેરો જાહેર કરવામાં આવે અથવા તો ૩૦ જેટલી બેઠકો પર નરેશ પટેલ કહે તે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવી શરત કોંગ્રેસે સ્‍વીકારી હોવાનું જાણવા મળે છે. જોકે નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ માટે હાઈકમાન્‍ડ સતત પ્રદેશ કોંગ્રેસના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળે છે.

આ દિવસોમાં જયાં નરેશ પટેલ પણ ભાજપના મોટા નેતાઓ સાથે ધાર્મિક મંચ પર જોવા મળ્‍યા હતા. તેમના ભાજપમાં જોડાવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. સાથે જ આમ આદમી પાર્ટી પણ તેમને પોતાની સાથે લાવવાની કોશિશ કરી. હવે નરેશ પટેલે કોંગ્રેસ સાથે બેઠક કરી હોવાની ચર્ચા વચ્‍ચે તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જવાની અટકળોએ જોર પકડ્‍યું છે.

ઉલ્લેખનિય છેકે ગઈકાલે જ રાજકોટમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસની બેઠક પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નરેશ પટેલના ફાર્મહાઉસ પર પહોંચીને મુલાકાત કરી હતી. જોકે કોંગી નેતાઓએ તે બેઠકને માત્ર સૌજન્‍ય મુલાકાત ગણાવી. પરંતુ આજે નરેશ પટેલ અને રઘુ શર્મા દિલ્‍હીમાં છે.

નરેશ પટેલ ગુજરાતની ધાર્મિક સંસ્‍થા શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ (SKT)ના પ્રમુખ છે. ટ્રસ્‍ટ રાજકોટ નજીક કાગવડમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ દેવતા ખોડિયારના મંદિરના સંચાલનની દેખરેખ રાખે છે. ટ્રસ્‍ટના કારણે તેઓ પાટીદાર સમાજમાં મજબૂત પકડ ધરાવે છે તેવું માનવામાં આવે છે. આશરે દોઢ કરોડની વસ્‍તી ધરાવતો આ સમુદાય ગુજરાતની છ કરોડની વસ્‍તીની ચૂંટણીમાં મહત્‍વનો ભાગ ભજવે છે.

નરેશ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે જે ગુજરાતના રાજકારણમાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં લગભગ ૧૫ ટકા પાટીદારો છે અને લગભગ દરેક જિલ્લામાં તેમની સંખ્‍યા ઘણી મોટી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પાટીદારો છે. ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૭૦ બેઠકો પર પાટીદાર સમુદાય ચૂંટણીને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતના રાજકારણમાં પાટીદારોએ હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવી છે. લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર અને કચ્‍છના વધુ વિસ્‍તારોમાં, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્‍દ્રનગર જિલ્લાઓમાં પાટીદારોની પેટાજ્ઞાતિ છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા ઉપરાંત સુરતમાં પણ વધુ પ્રભાવ છે. આ સમુદાય પોતાને ભગવાન રામના વંશજ હોવાનો દાવો કરે છે. જુદા જુદા અહેવાલો અનુસાર ગુજરાતમાં પાટીદારોની સંખ્‍યા ૧૫ ટકા જેટલી છે. એટલે કે, તેમની સંખ્‍યા લગભગ દરેક જિલ્લામાં છે. પરંતુ તેમની સંખ્‍યા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ છે.

(3:32 pm IST)