Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મેડીકલ રીઇમ્‍બર્સમેન્‍ટ અંગે સુપ્રિમ કોર્ટે જાહેર કરેલ ઐતિહાસિક નિર્ણય

સારવાર કયાં કરાવી એ નહીં, સારવાર લીધી છે કેમ? તે ચકાશો

રાજકોટ તા. ર૦: મેડીકલ રિઇમ્‍બર્સમેન્‍ટ અંગે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલ ઐતિહાસિક નિર્ણયની વિગતો રજુ કરતા મઝદુર સંઘના હસુભાઇ દવેએ જણાવ્‍યું છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે કેન્‍દ્ર સરકારના કર્મચારીને સેવા દરમ્‍યાન અથવા નિવૃતિ પછી બિલની ભરપાઇ માત્ર એ આધાર પર નકારી શકાય નહીં કે તબીબી કટોકટી દરમ્‍યાન તેણે ખાનગી હોસ્‍પિટલમાંથી સારવાર લીધી છે જે કેન્‍દ્ર સરકારની આરોગ્‍ય યોજના અંતર્ગત એમ્‍પેનલ્‍ડ હોસ્‍પિટલોની યાદીમાં સમાવિષ્‍ટ નથી.

ન્‍યાયમૂર્તિ આર. કે. અગ્રવાલ અને અશોક ભૂષણની બેન્‍ચે તેના ચૂકાદામાં જણાવ્‍યું હતું કે, ‘‘સરકારી આદેશમાં હોસ્‍પિટલનું નામ સમાવિષ્‍ટ ન હોવાને કારણે, તબીબી દાવાનો અધિકાર નકારી શકાય નહીં''

બેન્‍ચ માટે બોલતા, ન્‍યાયમૂર્તિ અગ્રવાલે કહ્યું: ‘‘શું એવું કહી શકાય કે સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલી વ્‍યકિતને માત્ર એ આધાર પર વળતરનો દાવો કરવાથી અટકાવવામાં આવશે કે આ હોસ્‍પિટલ સરકારી આદેશ દ્વારા આવરી લેવામાં આવી નથી.''

‘‘ખરી કસોટી એ સારવારની હકીકત હોવી જોઇએ. કોઇપણ તબીબી દાવાને સ્‍વીકારતા પહેલા, સત્તાવાળાઓએ ખાતરી કરવા માટે બંધાયેલા છે કે શું દાવેદારે ખરેખર સારવાર કરાવી હતી અને સારવારના તથ્‍યો સંબંધિત ડોકટરો/હોસ્‍પીટલો દ્વારા યોગ્‍ય રીતે પ્રમાણિત કરેલા રેકોર્ડ આધારભૂત છે.''

કોર્ટે કહ્યું કે તે એક સ્‍થાપિત કાયદાકીય સ્‍થિતિ છે કે કર્મચારી ‘‘તેના જીવનકાળ દરમ્‍યાન અથવા તેની નિવૃતિ પછી તબીબી સુવિધાઓનો લાભ મેળવવા માટે હકકદાર છે અને તેના અધિકારો પણ કોઇ પ્રચિતબંધ મૂકી શકાય નહીં.''

કોર્ટે નોંધ્‍યું હતું કે, ‘‘પેન્‍શનર લાભાર્થીઓના કિસ્‍સામાં સીજીએચએસ દ્વારા ચિકિત્‍સાકીય વળતર દાવાઓના નિકાલની ધીમી ગતિ વધારે ધીમી છે અને પેન્‍શનર મેળવતા વરિષ્‍ઠ નાગરિકો છે તેમને માનસિક, શારીરિક અને આર્થિક રીતે અસરકર્તા બિનજરૂરી ઉત્‍પીડન પર ધ્‍યાન આપ્‍યું....

આવા તમામ દાવાઓ અંગે નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે, ‘‘સંબંધિત મંત્રાલયમાં સચિવ સ્‍તરની ઉચ્‍ચ સતાવાળી સમિતિ દ્વારા હાજરી આપવી જોઇએ, જે આવી બાબતોના ઝડપી નિકાલ માટે દર મહિને બેઠક કરશે.'' કોર્ટે કહ્યું: ‘અમારૂં માનવું છે કે પેન્‍શનર દ્વારા દાવા અંગેના સંબંધિત કાગળો જમા કરાવ્‍યાના એક મહિનાના સમયગાળાની અંદર વળતર આપવામાં આવશે.''

સુપ્રિમ કોર્ટે જાહેર કરેલ આ નિર્ણયો ઘણા માટે ઉપયોગી બનશે. તેમ મઝદુર સંઘના હસુભાઇ દવેએ જણાવ્‍યું છે.

(4:28 pm IST)