Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુ મૂર્તિઓની ઉપસ્થિતિના પુરાવા સામે આવ્યા

જ્ઞાનવાપી મસ્જિદના ફિલ્માંકનનો રિપોર્ટ કોર્ટમાં રજૂ : રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, મસ્જિદના બેઝમેન્ટના થાંભલાઓમાં ફૂલનું નકશીકામ અને એક કળશ છે

નવી દિલ્હી, તા.૨૦ : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના ફિલ્માંકનનો એક રિપોર્ટ ગુરૃવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે હિંદુ અરજીકર્તાઓએ મસ્જિદ પરિસરની અંદર મૂર્તિઓ હોવાનો દાવો કરીને તેમની પૂજા કરવા માટે મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો. સીલબંધ કવરમાં જમા કરવામાં આવેલા રિપોર્ટની એક કોપી અરજીકર્તાઓના વકીલો તરફથી શેર કરવામાં આવી છે. આ રિપોર્ટ અરજીકર્તાઓ દ્વારા મસ્જિદમાં હિંદુ મૂર્તિઓની ઉપસ્થિતિના પુરાવા અંગેના દાવાનું સમર્થન કરતો હોવાનું પ્રતીત થાય છે. જોકે અમે આ રિપોર્ટની સત્યતાની પુષ્ટિ નથી કરતા. જાણવા મળ્યા મુજબ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, મસ્જિદના બેઝમેન્ટના થાંભલાઓમાં ફૂલનું નકશીકામ અને એક કળશ છે.

રિપોર્ટના તારણોઃ

- ભોંયરાના એક થાંભલા પર પ્રાચીન હિંદી ભાષામાં નકશીકામ મળી આવ્યું છે.

- ભોંયરાની એક દીવાલ પર 'ત્રિશૂળ'નું ચિહ્ન મળી આવ્યું છે.

- મસ્જિદની પશ્ચિમી દીવાલથી ૨ મોટા સ્તંભ અને દ્વાર પર એક અર્ધમંડલાકાર નીકળેલો છે.

- અરજીકર્તાઓએ તેને મસ્જિદનો અવશેષ ગણાવ્યો જ્યારે મસ્જિદ કમિટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

- મસ્જિદના કેન્દ્રીય ગુંબજ નીચે એક શંકુ આકારની સંરચના મળી આવી છે.

- મસ્જિદના ત્રીજા ગુંબજ નીચે રહેલા પથ્થર પર કમળનું નકશીકામ છે.

- વજૂ માટે ઉપયોગમાં લેવાતા તળાવમાં ૨.૫ ફૂટ ઉંચી ગોળ સંરચના જોવા મળી. અરજીકર્તાઓ તેને શિવલિંગ ગણાવી રહ્યા છે જ્યારે મસ્જિદ કમિટીના કહેવા પ્રમાણે તે એક ફુવારો હતો.

- મસ્જિદ કમિટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. તેમના કહેવા પ્રમાણે આવા સંવેદનશીલ રિપોર્ટને કોર્ટના મંતવ્ય પહેલા જ શેર કરવામાં આવી રહ્યો છે તે ચોંકાવનારી બાબત છે.

- આ બધા વચ્ચે મૂળ સવાલનો હજુ કોઈ જવાબ નથી મળ્યો કે, આ સર્વે પૂજાસ્થળ અધિનિયમ ૧૯૯૧નું ઉલ્લંઘન કરે છે.

 

 

(7:49 pm IST)