Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

20 જૂને ગુજરાત પહોંચશે ચોમાસુ :હવામાન વિભાગની આગાહી :કેરળમાં શુક્રવાર સુધીમાં મેઘરાજાનું આગમન

અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધશે : ભારે વરસાદની આગાહીથી કેરળમાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી :અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયાના મધ્ય સુધી કેરળમાં ચોમાસું શરુ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ બનેલી રહેશે

જો આ અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થઇ શકે છે, તો હાલના વર્ષોમાં એવું પહેલી વખત થશે. આ પહેલા ચોમાસું 2009માં 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. આ પહેલા હવામાન વિભાગે 5 દિવસ પહેલા 27 મે સુધી કેરળમાં ચોમાસું પહોંચવાની ભવિષ્યવાણી કરી હતી. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું પહોંચે છે. એટલે 3 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું આવશે. ભારે વરસાદની આગાહીના પગલે કેરળના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે.

ગુજરાતના લોકોને ગરમીથી જલ્દી રાહત મળશે. 13 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું હોવાથી ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપશે. દેશમાં જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે.

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ક્યાં રાજ્યમાં ક્યારે આવશે વરસાદ ?

  • 10થી 15 જૂન - ઝારખંડ અને બિહાર
  • 5 જૂન - આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ
  • 10 જૂન - પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્ર
  • 15 જૂન - છત્તીસગઢ
  • 20 જૂન - ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ
  • 25 જૂન - રાજસ્થાન, હિમાચલ
  • 30 જૂન - હરિયાણા, પંજાબ

ચોમાસાની ગતિવિધિ સમજો

  • ભારતમાં કુલ બે પ્રકારનું ચોમાસુ જોવા મળે છે
  • એક ચોમાસુ નૈઋત્યનું ચોમાસુ અને બીજુ ઈશાન ચોમાસુ
  • નૈઋત્યના ચોમાસાનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બરનો હોય છે
  • ઈશાન ચોમાસાનો સમયગાળો ઓક્ટોબરથી ડિસેમ્બરનો હોય છે
  • નૈઋત્યના ચોમાસાને સમર મોન્સૂન પણ કહે છે
  • ઈશાન ચોમાસાને વિન્ટર મોન્સૂન કહે છે
  • નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા તરીકે પણ ઓળખાય છે
  • ઈશાન ચોમાસુ ઉત્તર-પૂર્વના ચોમાસા તરીકે પણ ઓળખાય છે
  • ભારતમાં જનજીવનને અસર કરતું ચોમાસુ નૈઋત્યનું ચોમાસુ છે
  • દેશના 75 ટકા વિસ્તારમાં આ સમયગાળામાં વરસાદ પડે છે
  • ઈશાન ચોમાસુ દક્ષિણના રાજ્યો ઉપર વધુ પ્રભાવી છે
  • તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને કર્ણાટકના આંતરિક વિસ્તારમાં ઈશાન ચોમાસુ પ્રભાવી છે
  • ઈશાન ચોમાસામાં દક્ષિણના રાજ્યમાં 48 ટકાથી વધુ વરસાદ પડે છે
  • દેશના મોટાભાગના વિસ્તાર માટે સમર મોન્સૂન અગત્યનું છે
  • તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક માટે વિન્ટર મોન્સૂન વધુ અગત્યનું છે
(11:07 pm IST)