Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ક્‍યારેય ખાધો છે મરચાવાળો તીખો આઇસક્રીમ ? પૂરો ખતમ કરનાર પાસે દુકાનદાર નથી લેતો પૈસા !

ટોકીયો,તા. ૨૦: ઉનાળામાં કોઈ પણ વસ્‍તુ જે દિલથી લઈને દિમાગને ઠંડુ કરતી હોય તો તે છે આઈસક્રીમ. સામાન્‍ય રીતે દરેકને આઈસક્રીમ ખૂબ જ ભાવે છે, પરંતુ અલગ-અલગ ફલેવર્સ સાથે. સોફટ સર્વ આઈસક્રીમ ની વાત કંઈક અલગ જ છે, પરંતુ જો કોઈ તમને એવી આઈસક્રીમ ખવડાવે જે ઠંડુ કરવાના બદલે મોં મા આગ લગાવી દે, તો કેવું લાગશે?

જાપાનના નાનકડા ગામ હિરાતામાં પણ આવો જ આઈસક્રીમ મળે છે અને તે ખાનાર માટે તે એક પડકાર છે. વધુ લોકો આ આઈસ્‍ક્રીમ તેમના મોં પર લગાવ્‍યા પછી છોડી દે છે. જે આખું ખાઈ શકે તેની પાસેથી દુકાનદાર પોતે પૈસા લેતો નથી. ફુકુશિમાનું હિરાતા ગામ તેની તીખી આઈસ્‍ક્રીમ માટે પ્રખ્‍યાત છે. આખરે, આ આગ લગાડનાર આઈસ્‍ક્રીમમાં હોય છે શું?

વિશ્વના સૌથી તીખા મરચાંમાંના એક, હબાનેરો મરચાંના પાવડરને સોફટ સર્વ આઈસ્‍ક્રીમના કોનમાં ડસ્‍ટ કરવામાં આવે છે. હવે તે ખાનારની સહનશીલતા પર છે કે તે આઈસ્‍ક્રીમ કેટલું સહન કરે છે. તે એટલું તીખું છે કે તેને ખાતા પહેલા દુકાનદારો લોકો પાસેથી લેખિત ખાતરી લે છે કે ગ્રાહક તેને પોતાના જોખમે ખાય છે. આ એક એવો આઈસ્‍ક્રીમ છે, જેને બનાવવો જેટલો મુશ્‍કેલ છે, તેને ખાવો તેનાથી પણ વધુ મુશ્‍કેલ છે. એક પ્રસિદ્ધ જાપાની રિયાલિટી શોના રિપોર્ટરે તેનો પ્રયાસ કરતી વખતે તેનો વીડિયો મૂક્‍યો હતો, જેમાં આઈસ્‍ક્રીમ ખાધા પછીની હાલત જોઈ શકાય છે.

આ આઈસ્‍ક્રીમની શરૂઆત વર્ષ ૨૦૧૧માં ફુકુશિમાથી કરવામાં આવી હતી. સુનામી અને રેડિયેશનના ખતરા બાદ અહીંના લોકોને પોતાનો ખર્ચ ચલાવવામાં મુશ્‍કેલી થવા લાગી હતી. દરમિયાન, અહીંના ખેડૂતોએ નાની હેબાનેરો મરચુ ઉગાડવાનું શરૂ કર્યું. વર્ષ ૨૦૧૫ માં, તેણે આ તીખા મરચાને સોફટ સર્વ આઈસ્‍ક્રીમ સાથે પીરસવાનું શરૂ કર્યું અને આ વિચાર હિટ થઈ ગયો. જે લોકો તેને ખાય છે તે પોતાની ક્ષમતા મુજબ તેને તીખું બનાવે છે. જે પણ સૌથી તીખી આઈસ્‍ક્રીમ ખાય છે, તેની પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી.

(10:10 am IST)