Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દેશભરમાં હાઇએલર્ટઃ ઉપદ્રવીઓ સામે લાલ આંખ

‘અગ્નિપથ'ના વિરોધમાં ભારત બંધનું એલાન : યુપી-બિહાર-ઝારખંડ દિલ્‍હી સહિતના રાજયોમાં લોખંડી બંદોબસ્‍તઃ મોટી સંખ્‍યામાં ફોર્સ તૈનાત : નોયડા-જયપુરમાં ૧૪૪મી કલમઃ અનેક રાજયોમાં ઇન્‍ટરનેટ સેવા બંધઃ ઝારખંડમાં શાળા-કોલેજો બંધ

નવી દિલ્‍હી, તા.૨૦: દેશના યુવાનો ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાથી નાખુશ છે. નવી યોજનાથી અસંતુષ્ટ યુવાનો દેશના વિવિધ રાજ્‍યોમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.  આ યોજનાની જાહેરાત બાદ હોબાળો મચી ગયો છે. ખાસ કરીને બિહાર અને યુપીમાં યુવાનો જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત હરિયાણા, મધ્‍યપ્રદેશ, ઝારખંડ, દક્ષિણના કેટલાક રાજ્‍યો સહિત અન્‍ય રાજ્‍યોમાં યુવાનો રસ્‍તા પર ઉતરીને સરકારની નવી યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

આ ક્રમમાં સોમવારે એટલે કે આજે યુવા સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્‍યું છે. અહીં યુવાનોના કોલને લઈને અનેક રાજ્‍યોની પોલીસ સતર્ક થઈ ગઈ છે. બદમાશો સામે કડક કાર્યવાહી કરવા અને કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઝીણવટભરી તૈયારીઓ કરી રહી છે.

કેરળ પોલીસે જણાવ્‍યું હતું કે હિંસા અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં સંડોવાયેલા કોઈપણની ધરપકડ કરવા માટે તેની સંપૂર્ણ દળ સોમવારે ફરજ પર રહેશે.

બંધના એલાન વચ્‍ચે સોમવારે ઝારખંડમાં શાળાઓ બંધ રહેશે. સમાચાર એજન્‍સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્‍યું હતું કે બંધને ધ્‍યાનમાં રાખીને ધોરણ ૯ અને ૧૧ની ચાલુ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.

દિલ્‍હી નજીક ગૌતમ બુદ્ધ નગરમાં, પોલીસે કહ્યું કે મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્‍યા છે. લોકોને કાયદો અને વ્‍યવસ્‍થામાં ખલેલ ન પહોંચાડવા માટે કહેવામાં આવ્‍યું છે. જે આવું કરતા જોવા મળશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્‍હી નજીક ફરીદાબાદમાં, પોલીસ પ્રવક્‍તા સુબે સિંઘે કહ્યું કે તેઓ કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ સ્‍થળોએ નાકાબંધી કરવામાં આવી છે અને આવતીકાલે ૨,૦૦૦ થી વધુ પોલીસકર્મીઓને મેદાનમાં ઉતારવામાં આવશે.

પંજાબના ADGP, કાયદો અને વ્‍યવસ્‍થાએ તમામ CP અને SSPને ભારત બંધ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપી છે. તેમણે એક ટ્‍વીટમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયાથી ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહ્યા છીએ. ભારત બંધ દરમિયાન કોઈ આ પ્‍લેટફોર્મનો દુરુપયોગ ન કરે તેની અમે ખાસ કાળજી રાખીશું.

કોંગ્રેસે કહ્યું કે, અગ્નિપથ યોજના અને રાહુલ ગાંધી પ્રત્‍યે કેન્‍દ્ર સરકારની બદલાની રાજનીતિ વિરુદ્ધ દેશભરમાં પાર્ટીના લાખો કાર્યકરો સોમવારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીએ અગાઉ પણ સ્‍પષ્ટતા કરી છે કે તે યુવાનોની સાથે છે.

જણાવી દઈએ કે, કેન્‍દ્ર સરકારે ૧૪ જૂનના રોજ આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે ટૂંકા ગાળાના કરાર આધારિત ભરતી કાર્યક્રમ ‘અગ્નિપથ'નું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ, ૧૭ થી ૨૧ વર્ષની વયજૂથના યુવક-યુવતીઓને આર્મી, નેવી અને એરફોર્સમાં મુખ્‍યત્‍વે ચાર વર્ષના ટૂંકા ગાળાના કરારના આધારે ભરતી કરવામાં આવશે.

જેમ જેમ વિરોધ ઉગ્ર બન્‍યો તેમ, કેન્‍દ્રએ વર્ષ ૨૦૨૨ માટે ભરતી માટેની ઉપલી વય મર્યાદા વધારીને ૨૩ વર્ષ કરી દીધી. જો કે આ અંગે સરકારનું કહેવું છે કે હંગામો જોઈને કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. ફેરફારો પૂર્વનિર્ધારિત હતા.

રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ ત્રણેય સેના પ્રમુખોએ પી.સી. જેમાં તેમણે યોજનાને લગતી તમામ માહિતી આપી હતી. તેમજ યુવાનોને પ્રદર્શન છોડીને ભરતીની તૈયારી કરવા અપીલ કરી હતી. સેનામાં અનુશાસનહીનતાને કોઈ સ્‍થાન નથી.

હાલમાં જ સેનામાં ભરતી માટે કેન્‍દ્ર સરકારે અગ્નિપથ યોજના જાહેર કરી છે, જેનો દેશભરના યુવાનો વિરોધ કરી રહ્યા છે અને રસ્‍તા પર ઉતરીને તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્‍યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્‍યોમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો પણ થયા છે. દેશભરમાં આ યોજનાના વિરોધ વચ્‍ચે હવે ઘણા સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન બાદ રાજ્‍યોની પોલીસે તેમની સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. જીઆરપી અને આરપીએફ પણ રેલ્‍વેને નુકસાનથી બચાવવા માટે સજ્જ થઈ ગયા છે.

હરિયાણામાં ભૂતકાળમાં આ આંદોલનને લઈને ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનો થયા હતા. આવી સ્‍થિતિમાં, ભારત બંધ દરમિયાન કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે, ફરીદાબાદ પોલીસે તેની સુરક્ષા વ્‍યવસ્‍થા વધારી દીધી છે. યુપીમાં નોઈડા પોલીસનું કહેવું છે કે ગૌતમ બુદ્ધ નગરમાં પહેલાથી જ કલમ ૧૪૪ લાગુ છે, તેથી કાયદો અને વ્‍યવસ્‍થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે ગ્રેટર નોઈડામાં યમુના એક્‍સપ્રેસ વે પર વિરોધ પ્રદર્શનના સંબંધમાં ૨૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ફરીદાબાદ પોલીસના પ્રવક્‍તા સુબે સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે ભારત બંધને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. બંધ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેનું ધ્‍યાન રાખીશું. તે જ સમયે, અમે સામાન્‍ય જનતાને અગ્નિપથ યોજના અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા વિનંતી કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે શહેરમાં વિવિધ સ્‍થળોએ બ્‍લોક લગાવ્‍યા છે અને તમામ ACPને બંધ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.

ફરીદાબાદની જેમ કેરળ પોલીસે પણ ભારત બંધની તૈયારીઓને મજબૂત કરી છે. કેરળ પોલીસે કહ્યું છે કે તેમના તમામ જવાન ૨૦ જૂનના રોજ ફરજ પર હશે. આ દરમિયાન જો કોઈ કોઈપણ પ્રકારની હિંસા ફેલાવવાનો પ્રયાસ કરશે તો અમે તેની ધરપકડ કરીશું. રાજ્‍યના પોલીસ વડા અનિલ કાંતે પણ પોતાના સૈનિકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે ભારત બંધ દરમિયાન કેરળ પોલીસ હિંસા અને પ્રદર્શનકારીઓ સાથે કેવી રીતે વ્‍યવહાર કરશે. પોલીસ વડાએ ભારત બંધ દરમિયાન અદાલતો, KSEB કચેરીઓ, KSRTC, ખાનગી બસો તેમજ સરકારી કચેરીઓ અને સંસ્‍થાઓને વિશેષ સુરક્ષા આપવાની વાત કરી છે.

(11:28 am IST)