Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાષ્ટ્રપતિ પદના સર્વ સંમત ઉમેદવારની શકયતા ખતમ

આરિફ મોહમ્મદખાન, થાવરચંદ ગેહલોત, દ્રૌપદી મૂર્મૂના નામો ચર્ચામાં : વડાપ્રધાનના જર્મની પ્રવાસ પહેલા એનડીએના ઉમેદવારની થશે જાહેરાત

નવી દિલ્હી, તા.૨૦: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સર્વ સંમત ઉમેદવારની શકયતા ખતમ થઇ ગઇ છે. ભાજપા હવે આ અઠવાડીયે સહયોગી પક્ષો સાથે ચર્ચા પછી વડાપ્રધાનના જી-૭ સમિટમાં ભાગ લેવા જર્મની જવા પહેલા એનડીએના ઉમેદવારના નામની જાહેરાત કરશે.
રવિવારે પક્ષ પ્રમુખ નડ્ડાના નિવાસસ્થાને આ ચુંટણી માટેની સમન્વય સમિતિની બેઠકમાં વ્યાપક ચર્ચા થઇ. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ - ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાજપા મુસ્લીમ-દલિત-આદીવાસી સમીકરણ પર આગળ વધી શકે છે.
પક્ષમાં આ બંને પદો માટે કેરળના રાજયપાલ આરીફ મોહમ્મદ ખાન, થાવરચંદ ગેહલોત, દ્રોપદી મુર્મૂના નામો ચર્ચામાં છે. રવિવારે નડ્ડાના નિવાસ સ્થાને ૧૪ સભ્યોની પ્રબંધન કમિટીની બેઠક ૩ કલાક ચાલી. તેમાં સામેલ બધા સભ્યોએ ચુંટણી અંગે ચર્ચા કરી. બેઠકમાં સ્પષ્ટ થઇ ગયું કે રાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમતીની શકયતા ખતમ થઇ ગઇ.
આમ સંમતિ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને જેપી નડ્ડાએ કેટલાય વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન ૨૬ થી ૨૮ જૂન જર્મની જવાના છે. રાષ્ટ્રપતિની ચુંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તા.૨૯ જૂન છે. પક્ષના સૂત્રોનું કહેવુ છે કે ૨૫ જૂન પહેલા નામ અંગે અંતિમ નિર્ણય લેવાઇ જશે.
સૂત્રોએ જણાવ્યું કે પોતાના નિવાસ સ્થાને થયેલી બેઠકમાં નડ્ડાએ ટીમના સંયોજક અને કેન્દ્રિય પ્રધાન ગજેન્દ્ર શેખાવત, જી કિશન રેડ્ડી, અર્જુનરામ મેઘવાલ, પક્ષના મહાસચિવો વિનોદ તાવડે અને સી ટી રવિ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે તેમાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે પક્ષની રણનીતિ બાબતે વ્યાપક ચર્ચા થઇ. ભાજપાએ નડ્ડા અને રાજનાથસિંહને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે આમ સહમતિ બનાવવા માટે વિપક્ષો ઉપરાંત બધા રાજકીય પક્ષો સાથે સલાહ સૂચન માટે અધિકૃત કર્યા છે. નડ્ડા અને રાજનાથસિંહે આ બાબતે અબ્દુલા સહિત ઘણા નેતાઓ સાથે વાતચીત કરી હતી

 

(1:08 pm IST)