Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અગ્નિવીરોની ભરતીઃ નોટિફિકેશન જારીઃ જુલાઇથી રજીસ્‍ટ્રેશન હાથ ધરાશે

૮મું પાસ પણ કરી શકશે અરજી : ૫ ગ્રેડ પર થશે ભરતી

નવી દિલ્‍હી, તા.૨૦: કેન્‍દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્‍ટ રેલી નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જે હેઠળ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્‍ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ ૨૦૨૨થી શરૂ થશે.

બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્‍યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્‍થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્‍ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. જુલાઈથી સેનાની અલગ અલગ ભરતી શાખાઓ પોત પોતાની રીતે નોટિફિકેશન્‍સ બહાર પાડશે. રેગ્‍યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી ૧૫ વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં ૩૦ રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્‍થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં.

રવિવારે ત્રણેય સેનાઓએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીઓમાં તેજી લાવવાની વાત કરી હતી. વાયુસેનાએ કહ્યું કે અગ્નિવીરો માટે રજિસ્‍ટ્રશન પ્રક્રિયા ૨૪ જૂનથી શરૂ થઈ જશે. તે ઓનલાઈન રહેશે. ૨૪ જુલાઈથી ફેઝ વન ઓનલાઈન એક્‍ઝામ થશે. પહેલી બેચની ટ્રેનિંગ ૩૦ ડિસેમ્‍બર સુધીમાં શરૂ થવાની યોજના છે. નેવીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા પર સમગ્ર કામ થઈ ગયું છે. ૨૫ જૂન સુધીમાં જાહેરાત બહાર પડશે. ૨૧ નવેમ્‍બરના રોજ પહેલી અગ્નિવીરોની બેચ ટ્રેનિંગ સેન્‍ટર પર પહોંચવાની શરૂ થઈ જશે. મહિલા અગ્નિવીર પણ સામેલ થશે.

સેવાનો સમયગાળો પૂરો થયા પહેલા સેવામુક્‍ત થવાની ‘અગ્નિવીર'ની ભલામણ સ્‍વીકાર કરાશે નહીં. માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની મંજૂરી હશે. સક્ષમ અધિકારીની ભલામણ બાદ જ આમ થઈ શકશે.

ભારતીય સેનાએ ભારત સરકારની મહત્‍વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે અગ્નિવીર ભરતી રેલીની સૂચના બહાર પાડી છે. આ અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ પછી, તમારે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ, joinindianarmy.nic.in પર જવું પડશે. રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ ૨૦૨૨થી શરૂ થશે.

 આ જગ્‍યાઓ માટે ભરતી કરવામાં આવશે

અગ્નિવીર જનરલ ડ્‍યુટી, અગ્નિવીર ટેકનિકલ (ઉડ્ડયન / દારૂગોળો),અગ્નિવીર કારકુન / સ્‍ટોરકીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્‍સમેન ૧૦મું પાસ, અગ્નિવીર ટ્રેડ્‍સમેન ૮મું પાસ,પગાર એવો હશે

જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, ઉમેદવારોની ભરતી ૪ વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન દર વર્ષે ૩૦ દિવસની રજા પણ મળશે. સેવાના પ્રથમ વર્ષમાં ૩૦,૦૦૦/- પગાર અને ભથ્‍થાં, બીજા વર્ષે ૩૩,૦૦૦/- પગાર અને ભથ્‍થાં, ત્રીજા વર્ષે ૩૬,૫૦૦/- પગાર અને ભથ્‍થાં અને છેલ્લા વર્ષમાં ૪૦,૦૦૦/- પગાર અને ભથ્‍થાં.

પોસ્‍ટ મુજબની લાયકાતઃ સામાન્‍ય ફરજની જગ્‍યાઓ પર ભરતી માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ટકા માર્ક્‍સ સાથે ધોરણ ૧૦ પાસ કરેલ હોવું આવશ્‍યક છે.

ટેકનિકલ એવિએશન અને એમ્‍યુનિશન પોસ્‍ટ્‍સ માટે, ભૌતિકશાષા, રસાયણશાષા, ગણિત અને અંગ્રેજી વિષયોમાં ૫૦% ગુણ સાથે ૧૨મું પાસ હોવું જરૂરી છે.

ક્‍લાર્ક/સ્‍ટોરકીપરની જગ્‍યાઓ માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા ૬૦% માર્ક્‍સ સાથે કોઈપણ પ્રવાહમાંથી ૧૨મું પાસ કરેલ હોવું જોઈએ. અંગ્રેજી અને ગણિતમાં ૫૦% માર્કસ હોવા જરૂરી છે.

- અલગ-અલગ રીતે ૧૦મું અને ૮મું પાસ ટ્રેડમેનની જગ્‍યાઓ માટે ભરતી કરવામાં આવશે. તમામ વિષયોમાં ૩૩્રુ માર્કસ હોવા ફરજિયાત છે. તમામ પોસ્‍ટ માટે નિર્ધારિત વય મર્યાદા ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ છે. સેવા પછી મળશે

સેવાના ચાર વર્ષ પૂરા થયા પછી, અગ્નિવીરોને સર્વિસ ફંડ પેકેજ, અગ્નિવીર કૌશલ્‍ય પ્રમાણપત્ર અને ધોરણ ૧૨માં સમકક્ષ લાયકાત પ્રમાણપત્ર પણ મળશે. જે ઉમેદવારો ૧૦મું પાસ છે તેમને ૪ વર્ષ પછી ૧૨મું સમકક્ષ પાસ પ્રમાણપત્ર પણ મળશે, જેની સંપૂર્ણ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.

(3:32 pm IST)