Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોરોના હજુ શાંત થયો નથીઃ લોકો લાપરવાહ ન બને

૯૦ ટકા રોગી ખુદને નથી માનતા અસુરક્ષિતઃ બુસ્‍ટર ડોઝ લેવામાં ૪૦ થી ઓછી વયના લોકો બેપરવાહ: નિષ્‍ણાતોએ આપી ચેતવણી

નવી દિલ્‍હી, તા.૨૦: કોરોનાના વધતા કેસો વચ્‍ચે બે વર્ષ પછી પણ લોકોના બેદરકાર વલણ બાબતે નિષ્‍ણાંતઓએ ચિંતા વ્‍યકત કરી છે. ૭૦ દિવસ પછી રવિવારે બુસ્‍ટર ડોઝ લગાવવાનો આંકડો ૪ કરોડ થયો. અત્‍યાર સુધીમાં ૪,૦૦,૭૧,૩૯૦ લોકોએ બૂસ્‍ટર ડોઝ લીધો છે. કેન્‍દ્ર સરકારના રસીકરણ માટે રચવામાં આવેલ રાષ્‍ટ્રીય ટેકનીકલ સલાહકાર ગ્રુપ (એનટીએજીઆઇ)ના પ્રમુખ ડો.એન.કે અરોરાએ કહ્યું કે દેશના ૯૦ ટકા લોકો હજુ પણ પોતાને અસુરક્ષિત નથી ગણતા.

તેમાંથી મોટા ભાગનાને એ પણ નથી ખબર કે તેઓ કોઇને કોઇ રોગથી ગ્રસ્‍ત છે. ફકત ૧૦ ટકા લોકો જ સંક્રમણના જોખમને સમજીને બુસ્‍ટર ડોઝ લઇ રહ્યા છે અને કોરોના નિયમોનું પાલન કરી રહ્યા છે. ડો.અરોરાએ કહ્યું કે કોરોના સંક્રમણ અવારનવાર વધતુ ઘટતુ રહેશે.

મહામારીનો આ કાળ છે અને વર્તમાન જ આનુ ભવિષ્‍ય છે એટલે લોકોએ વ્‍યવહાર બદલવો ના જોઇએ અને સંક્રમણ પ્રત્‍યે ગંભીરતા દાખવવી જોઇએ. એઇમ્‍સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરીયાએ કહ્યું કે જરા પણ મોડુ કર્યા વગર બુસ્‍ટર ડોઝ લઇ લેવો જોઇએ.

ડો.અરોરા અનુસાર, અત્‍યારે પર્યટન સ્‍થળોએથી બહુ ગંભીર ચીત્રો આવી રહ્યા છે. હજારોની સંખ્‍યામાં લોકો ત્‍યા પોતાના પરિવાર સાથે પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટા ભાગના કોરોનાના નિયમોનું પાલન નથી કરતા. હરવા-ફરવાની છૂટ સંક્રમણમાં ઉછાળાનું સૌથી મોટું કારણ છે. કોવિન વેબસાઇટના આંકડા અનુસાર, દેશમાં ૬૦ વર્ષ અથવા તેનાથી વધારે વયના ૧૫ ટકા બુઝુર્ગો બૂસ્‍ટર ડોઝ લઇ ચૂકયા છે જયારે ૧૮ થી ૫૯ વર્ષ વચ્‍ચેના અને તેમાંય ૪૦ થી ઓછા વર્ષવાળા લોકોની સંખ્‍યા હજુ સુધી ૧ ટકાએ પણ નથી પહોંચી એટલું જ નહીં અત્‍યાર સુધીમાં ૫૦ ટકા આરોગ્‍યકર્મી અને ફ્રન્‍ટ લાઇન વર્કરોએ બૂસ્‍ટર ડોઝ લીધો છે.

(3:38 pm IST)