Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુ:ખ વ્યક્ત કર્યું

આ યોજના અંતર્ગત ટ્રેનિંગ મેળવનાર યુવાનોને પોતાને ત્યાં નોકરી આપવાની ઓફર કરી

નવી દિલ્હી: સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને આ યોજના અંતર્ગત ટ્રેનિંગ મેળવનાર યુવાનોને પોતાને ત્યાં નોકરી આપવાની ઓફર કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર અને વિભિન્ન મંત્રાલય ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે. આમ છતા આ યોજનાના વિરોધમાં સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

આનંદ મહિન્દ્રાએ સોમવારે ટ્વિટ કરીને લખ્યું કે અગ્નિપથ યોજનાને લઇને ચાલી રહેલા વિરોધથી દુ:ખી છું. ગત વર્ષે જ્યારે આ યોજનાનો વિચાર સામે આવ્યો તો મેં કહ્યું હતું કે અને હવે હું ફરી દોહરાવું છું કે આનાથી અગ્નિવીર જે અનુશાસન અને કૌશલ શીખશે તે તેમને રોજગારની શાનદાર તકો ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાઓની ભરતીનું સ્વાગત કરે છે.

આનંદ મહિન્દ્રાની આ જાહેરાતનું ટ્વિટર પર બધા લોકોએ સ્વાગત કર્યું છે. એક યૂઝરે સવાલ પૂછ્યો કે મહિન્દ્રા ગ્રુપમાં અગ્નિવીરોને શું પોસ્ટ આપવામાં આવશે? તેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં અગ્નિવીરો માટે રોજગારની અપાર સંભાવના છે. તેમણે કહ્યું કે લીડરશિપ, ટીમવર્ક અને ફિઝિકલ ટ્રેનિંગના કારણે અગ્નિવીરના રુપમાં ઇન્ડસ્ટ્રીને બજાર પ્રમાણે પહેલાથી તૈયાર પ્રોફેશનલ મળશે. સંચાલનથી લઇને પ્રશાસન અને સપ્લાઇ ચેઇન મેનેજમેન્ટ સુધી આખું બજાર તેમના માટે ખુલ્લું રહેશે.

તમને જણાવી દઈએ કે થલસેના, વાયુસેના અને નૌસેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત શરૂઆતમાં ચાર વર્ષ માટે યુવાઓેને રાખવામાં આવશે. ટ્રેનિંગ પછી તેમની નિમણુક કરવામાં આવશે. ચાર વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને સેનામાં રાખવામાં આવશે. આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકો તર્ક આપી રહ્યા છે કે આનાથી બેરોજગારી વધારે વધશે અને તેમની કારકિર્દી અનિશ્ચિત થઇ જશે. જોકે સરકારે તેનાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

(6:03 pm IST)