Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અગ્નિવીર ભરતી માટે સેનાએ બહાર પાડ્યું નોટિફિકેશન મેરિટના આધારે થશે ભરતી : 8 પાસ કરી શકશે અરજી

ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય : ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરાશે :પ્રત્યેક વર્ષ 30 દિવસની રજા પણ મળશે.

નવી દિલ્હી : ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન જારી કરી દીધુ છે. જેના હેઠળ ઉમેદવારોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે. જે બાદ ભારતીય સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવી પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.

અગ્નિવીર જનરલ ડ્યુટી

અગ્નિવીર ટેક્નિકલ (એવિએશન/એમ્યુનેશન)

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ

અગ્નિવીર ટ્રેડ્સમેન 10મુ પાસ

અગ્નિવીર ટ્રેડ્સમેન 8મુ પાસ

મેરિટના આધારે થશે ભરતી

નોટિફિકેશન અનુસાર, ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનારા ઉમેદવારોને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. એ પણ કહેવામાં આવ્યુ છે કે જે ઉમેદવારોની પાસે જરૂરી સર્ટિફિકેટ હશે નહીં, તે પોતે રિજેક્શન માટે જવાબદાર રહેશે.

આટલી હશે સેલરી

જારી નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન પ્રત્યેક વર્ષ 30 દિવસની રજા પણ મળશે. સર્વિસના પહેલા વર્ષે 30,000 પગાર અને ભથ્થુ, બીજા વર્ષે 33,000 પગાર અને ભથ્થુ, ત્રીજા વર્ષે 36,500 પગાર અને ભથ્થુ તથા છેલ્લા વર્ષે 40,000 પગાર અને ભથ્થુ આપવામાં આવશે.

પદાનુસાર નિર્ધારિત યોગ્યતા

– જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10માં 45 ટકા સાથે પાસ હોવુ જરૂરી છે.

– ટેકનિકલ એવિએશન અને એમ્યુનેશન પદ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લિશ વિષયમાં 50 ટકા સાથે 12 મુ પાસ હોવુ જરૂરી છે.

– ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે ઉમેદવારોએ કોઈ પણ સ્ટ્રીમમાં 60 ટકા સાથે 12 મુ પાસ હોવુ જરૂરી છે. અંગ્રેજી તથા મેથ્સમાં 50 ટકા હોવા જરૂરી છે.

– ટ્રેડ્સમેનના પદ પર 10 અને 8 મા ધોરણ પાસની અલગ-અલગ ભરતી કરવામાં આવશે. તમામ વિષયોમાં 33 ટકા હોવા અનિવાર્ય છે.

– તમામ પદ માટે નિર્ધારિત વય મર્યાદા 17.5 વર્ષથી 23 વર્ષ નિર્ધારિત છે.

ચાર વર્ષની સર્વિસ પૂરી થયા બાદ અગ્નિવીરોને સર્વિસ ફંડ પેકેજ, અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ અને ધોરણ 12ના સમકક્ષ યોગ્યતા સર્ટિફિકેટ પણ મળશે. જે ઉમેદવાર 10 મુ ધોરણ પાસ છે તેમને 4 વર્ષ બાદ ધોરણ 12 ના સમકક્ષ પાસ સર્ટિફિકેટ પણ મળશે જેની સંપૂર્ણ જાણકારી બાદમાં જાહેર કરવામાં આવશે.

તમામ પદ પર ભરતી માટે NCC A સર્ટિફિકેટ ધારકોને 05 બોનસ માર્ક્સ મળશે. NCC B સર્ટિફિકેટ ધારકોને 10 બોનસ માર્ક્સ મળશે જ્યારે NCC C સર્ટિફિકેટ ધારકોને 15 બોનસ માર્ક્સ મળશે. અગ્નિવીર જનરલ ડ્યુટી અને ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે NCC C સર્ટિફિકેટ ધારકોને CEE ( કોમન એન્ટ્રસ એક્ઝામ) માંથી છુટ મળશે.

(6:57 pm IST)