Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

લિયાકતનો મૃતદેહ કબરમાંથી કાઢી પીએમ કરવાનો આદેશ

પાક.ના ટીવી હોસ્ટ-સાસંદની મોતનું રહસ્યઃઅબ્દુલ અહદ નામની વ્યક્તિએ મૃત્યુ અંગે શંકા કરી હતી

કરાંચી, તા.૨૦ :પાકિસ્તાનના લોકપ્રિય ટીવી હોસ્ટ અને સાંસદ આમિર લિયાકતનું જીવન જેટલું વિવાદાસ્પદ હતું, તેટલું જ ચર્ચાસ્પદ તેમનું મૃત્યુ પણ બન્યું છે. લિયાકતના મોત અંગે સતત અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનની એક અદાલતે લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવશે.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અબ્દુલ અહદ નામના વ્યક્તિની અરજીના અનુસંધાને આ પ્રકારનો આદેશ આપ્યો છે. ગત સપ્તાહે અબ્દુલ અહદ નામના વ્યક્તિએ એક અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, લિયાકતના મૃત્યુ માટેના કારણો જાણવા માટે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું જ જોઈએ. ત્યારબાદ અદાલતે લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતના આ નિર્ણયની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

આ મુદ્દે પાકિસ્તાની અભિનેત્રી ઉશના શાહે વિરોધ દર્શાવતું ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાથી તેમના બાળકોને વધુ પીડા થશે, તેઓ પહેલેથી જ ઘણું વેઠી ચુક્યા છે.

પાકિસ્તાનના દિગ્ગજ અભિનેત્રી બુશરા અન્સારીએ અદાલતના આદેશનો વિરોધ કર્યો હતો. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા ટ્રોલર્સને લિયાકતના મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'સોશિયલ મીડિયા સૌથી મોટી બલાઓમાંથી એક છે'. તેમણે અદાલતના આદેશ વિશે વાત કરતા લખ્યું હતું કે, દુનિયામાંથી વિદાય થયેલા લોકોને વધુ અપમાનિત ન કરવા જોઈએ. આમિર લિયાકતના છોકરાઓ અનેક મોરચે લડી રહ્યા છે. તેમને વધારે પીડા ન આપવી જોઈએ.

પાકિસ્તાની ટીવી હોસ્ટ વસીમ બાદામીએ પણ અદાલતના આદેશ અંગે ચિંતા દર્શાવતી ટ્વિટમાં લખ્યું હતું કે, લિયાકતને મેજિસ્ટ્રેટના આદેશ બાદ ઓટોપ્સી વગર દફનાવ્યા હતા. તેમના બાળકોને વધુ પીડા ન આપો.

આમિર લિયાકતની પહેલી પત્ની સૈયદા બુશરા ઈકબાલ શરૃઆતથી જ પોસ્ટમોર્ટમની વિરૃદ્ધ હતી. જો કે અદાલતના આદેશ બાદ તે અસમંજસમાં છે. તેણે ટ્વિટ લખીને લિયાકતના ચાહકોની સલાહ માગી છે. આ ટ્વિટમાં તેણે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર નીકાળવા ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

તેણે લિયાકતના પોસ્ટમોર્ટમની માગણી કરનારા લોકોને કહ્યું કે, 'તેઓ તે સમયે ક્યાં હતા જ્યારે આમિર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.' બુશરા ઈકબાલે કહ્યું કે, શરિયા કાયદો મૃતદેહની કાપ-કૂપને મંજૂરી નથી આપતો .

ઉલ્લેખનીય છે કે, આમિર લિયાકતનું ગત ૯ જૂનના રોજ અવસાન થઈ ગયું હતું. તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું હતું. સિને જગતની હસ્તિઓથી શરૃ કરીને નેતાઓએ તેમના મૃત્યુ ઉપર શોક દર્શાવ્યો હતો. પોલીસે લિયાકતના શંકાસ્પદ મોત અંગે પોસ્ટમોર્ટમ કરાવવાની વાત કરી હતી પરંતુ તેમના પરિવારે ના પાડી દીધી હતી.

આમિર લિયાકત તેમના ૩ અસફળ લગ્ન અને તલાકને લઈને સતત ચર્ચામાં રહેતા હતા. આ જ વર્ષે તેમની ત્રીજી પત્ની દાનિયા શાહે તેમની ઉપર ગંભીર આરોપ લગાવીને તલાક માગ્યા હતા. આ કેસ હજુ અદાલતમાં છે. તેઓ સતત એકબીજા ઉપર આરોપ લગાવતા હતા.

 

 

(8:27 pm IST)