Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વેક્સિનના બુસ્ટર ડોઝ ડેલ્ટા-ઓમિક્રોન સામે રક્ષણ આપે છે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૮૧ કેસ નોંધાયાઃબુસ્ટર ડોઝ અંગે નિષ્ણાતોએ તેમના અભિપ્રાય રજૂ કર્યા, ત્રણ ડોઝ બાદ ફેફસાની બીમારીની ગંભીરતા ઓછી જોવાઈ

નવી દિલ્હી, તા.૨૦ :સતત વધી રહેલો કોરોના હવે ડરાવવા લાગ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં તેજી આવી છે.

ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચોંકાવનારો વધારો થયો છે. જો કે આ બધા વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવેક્સીનનો બુસ્ટર ડોઝ કોવિડ-૧૯ના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ રસીના પ્રભાવને વધારે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨,૭૮૧ કેસ નોંધાયા છે. જ્યારે ૧૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં ૮,૫૩૭ લોકોએ કોરોનાને માત પણ આપી છે. હાલ દેશમાં ૭૬,૭૦૦ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ૪.૩૨% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના ૧,૯૬,૧૮,૬૬,૭૦૭ ડોઝ અપાયા છે.

આઈસીએમઆરઅને  ભારત બાયોટેક દ્વારા કોવેક્સીન અંગે કરાયેલા એક સ્ટડીના તારણોમાં જાણવા મળ્યું છે કે બુસ્ટર ડોઝ ડેલ્ટા વેરિએન્ટ ઉપરાંત ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવ વધારે છે. કોવેક્સીનના બુસ્ટર ડોઝ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ.૧.૧ અને  બીએ.૨ વિરુદ્ધ પ્રતિકારકતાને મજબૂત કરે છે.

સ્ટડીમાં કહેવાયું છે કે સીરિયન હેમસ્ટર મોડલ (મનુષ્ટ સંલગ્ન બીમારીઓનો અભ્યાસ કરવાનું પશુ મોડલ) માં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ કોરોના રસીના બે અને ત્રણ ડોઝ બાદ ભારત બાયોટેકની કોવેક્સીનથી મળનારી સુરક્ષાત્મક ક્ષમતા વધે છે. આ ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિએન્ટ વિરુદ્ધ પણ તેના પ્રભાવનો અભ્યાસ કરવામાં આવ્યો.  આઈસીએમઆરઅને  ભારત બાયોટેકે કહ્યું કે ડેલ્ટા સંક્રમણના અભ્યાસમાં જ્યારે અમે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે સુરક્ષાત્મક પ્રતિક્રિયાની સરખામણી કરી તો અમને બુસ્ટર ડોઝના ફાયદા જોવા મળ્યા. વાયરસને નિષ્ક્રિય કરનારી એન્ટીબોડીનું સ્તર તુલનાત્મક હતું. પરંતુ રસીકરણના ત્રણ ડોઝ બાદ ફેફસાની બીમારીની ગંભીરતા ઓછી જોવા મળી.

બીજા સ્ટડીમાં રસીના ત્રીજા ડોઝ બાદ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ.૧ અને બીએ.૨ વિરુદ્ધ સુરક્ષાત્મક પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસમાં પ્લેસેબો સમૂહની સરખામણીએ રસીનો ડોઝ લેનારા સમૂહોમાં ઓછા વાયરસ શેડિંગ, ફેફસાનું ઓછું સંક્રમણ અને ફેફસાની બીમારીની ગંભીરતા ઓછી જોવા મળી.

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા. આ અગાઉ રવિવારે ૧૨૮૯૯ નવા કેસ નોંધાયા હતા. તે પહેલા શનિવારે ૧૨૮૦૫ જ્યારે શુક્રવારે ૧૩૦૭૯ નવા કેસ, ગુરુવારે  ૧૨૮૪૭ નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.

(8:34 pm IST)