Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બગદાદમાં બોમ્બ વિસ્ફોટમાં 35 થી વધુ લોકોના મોત : 60થી વધુ લોકો ગંભીર : ભીડને નિશાન બનાવી બ્લાસ્ટ

સદર સિટી વિસ્તાર પાસે ધમધમતી બજાર હોવાથી મોટાભાગના લોકો ખરીદી માટે ઉમટયા હતા : મૃતકોમાં મહિલાઓ સહિત બાળકોનો પણ સમાવેશ

ઇરાકની રાજધાની બગદાદનાં ગીચ બજારમાં સોમવારે એક શંકાસ્પદ બોમ્બ વિસ્ફોટ કરાવમાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોનાં મોત અને 60થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઈદ અલ-અધા તહેવારની પૂર્વસંધ્યાએ આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

બગદાદનાં સદર સિટી વિસ્તાર પાસે ધમધમતી બજાર હોવાથી મોટાભાગના લોકો ખરીદી માટે ઉમટતા હોય છે.પરિણામે આ વિસ્તારને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાની આશંકા છે.

 

તહેવારોને પહેલા ખરીદનારા લોકોની ભીડ આ બજારમાં ઉમટતી હોય છે.પરિણામે આ બોમ્બ બ્લાસ્ટમાં 35 થી વધુ લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટમાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત ઈજીગ્રસ્ત થયેલા કેટલાક લોકોની ગંભીર હાલત હોવાને કારણે મુત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં મહિલાઓ સહિત બાળકોનો પણ સમાવેશ છે.

ભારે બોમ્બ વિસ્ફોટના પરિણામે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ઇરાકની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”આ હુમલો સદર સિટીના વહૈલાત માર્કેટમાં થયો હતો.

ઇરાકના ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, સ્થાનિક રીતે બનાવવામાં આવેલા IIEDનો ઉપયોગ કરીને આ આતંકી હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની ચીસો જોવા મળી રહી છે.

(11:35 am IST)