Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જાપાનમાં કોરોનાની મહામારી વચ્ચે ૨૩ જુલાઇથી ટોકયો ઓલિમ્પિકનો પ્રારંભ, ૮ ઓગષ્ટના સમાપન

ટોકયો ઓલિમ્પિકઃ ટીમ ઇન્ડિયા... ગો ફોર ગોલ્ડ ...

ભારતના ૧૨૭ એથ્લેટસ મેદાનમાં ઉતરશેઃ બેડમીન્ટન, હોકી, શુટીંગ, કુસ્તી, તિરંદાજી, એરરાઇફલ, બોકસીંગ જેવી રમતોમાં મેડલની આશાઃ આ વખતે વિજેતા બનેલ ખેલાડીઓએ જાતે જ મેડલ પહેરવા પડશે

નવી દિલ્હીઃ જાપાનની રાજધાની ટોકયોમાં કોરોનાની મહામારી વચ્ચે ૨૩ જુલાઇથી ઓલિમ્પિકનો પ્રારંભ થઇ રહયો છે. ગેમ્સનો ઉદઘાટન સમારોહ ટોકયોના નવા બિલ્ટ નેશનલ સ્ટેડીયમ ખાતે થનાર છે. જયારે ૮ ઓગષ્ટના રોજ સમાપન થશે.

ભારત આ વખતે ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરે તેવી રમત પ્રેમીઓને આશા છે.  ભારત આ વખતે સૌથી મોટી ટીમ સાથે ઉતરવાનું છે. વિવિધ રમતોમાં ૧૨૭ એથ્લેટસ મેદાનમાં ઉતરનાર ખેલાડીખો અને સ્ટાફ એમ ૨૨૭ લોકો ટોકયો પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ થોડા દિવસ પહેલા આ ખેલાડીઓ સાથે વર્ચ્ચુઅલ મીટીંગ કરી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી.

દરમિયાન આ વખતે કોરોના કાળના લીધે વિજેતા બનનાર ખેલાડીઓને કાંઇપણ પ્રતિનિધિ દ્વારા મેડલ પહેરવામાં આવશે નહિ ખેલાડીઓએ જાતે જ મેડલ પહેરી લેવા પડશે.

 ભારતીય પુરૂષ હોકી ટીમનો કાર્યક્રમ 

૨૪ જુલાઈ - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, સવારે ૬.૩૦ કલાકે, ૨૫ જુલાઈઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બપોરે ૩ કલાકે, ૨૭ જુલાઈઃ ભારત વિરુદ્ધ સ્પેન, સવારે ૬.૩૦ કલાકે, ૨૯ જુલાઈઃ ભારત વિરુદ્ધ આર્જેન્ટીના, સવારે ૬ કલાકે, ૩૦ જુલાઈઃ ભારત વિરુદ્ધ જાપાન, બપોરે ૩ કલાકે, ૧ ઓગસ્ટઃ કવાર્ટર ફાઇન- જો ભારત કવોલિફાય કરે છે તો, સવારે છ કલાકે, ૩ ઓગસ્ટઃ સેમિફાઇનલ, જો ભારત કવોલિફાય કરે તો, સવારે ૭ કલાકે, ૫ ઓગસ્ટઃ મેડલ મેચ- જો ભારત કવોલિફાય કરે તો સવારે ૭ કલાકથી બપોરે ૩.૩૦ કલાક સુધી

આ વખતે ૪ નવી રમતો

ઑલિમ્પિકસમાં આ વખતે ૩૩૯ મેડલ માટે સ્પર્ધાઃ પ્રથમ વખત સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ થયો છે, જેને ૨૦૨૪ પૅરિસ ઑલિમ્પિક માટે પણ મંજૂરી મળી છે

 ટોક્યો ઑલિમ્પિકસમાં ચાર નવી રમતનો સમાવેશ થયો છે; જેમાં સ્કેટબોર્ડ, ર્સફિંગ, સ્પોર્ટ્સ કલાઇમ્બિંગ અને કરાટે છે. ઑલિમ્પિકસમાં આ વખતે ૩૩૯ મેડલ માટે સ્પર્ધા થશે. પહેલી વખત સ્કેટબોર્ડ અને ર્સફિંગનો સમાવેશ થયો છે, જેને ૨૦૨૪ પૅરિસ ઑલિમ્પિક માટે પણ મંજૂરી મળી છે. સ્કેટબોર્ડમાં પાર્ક અને સ્ટ્રીટ બે વર્ગમાં સ્પર્ધા થશે. ર્સફિંગ પુરુષ અને મહલા બન્ને વર્ગમાં થશે.  યુવાઓમાં આજકાલ સ્પોર્ટ્સ કલાઇમ્બિંગને લઈને ગાંડપણ છે. જે વ્યકિતગત સ્પર્ધા તરીકે પુરુષ અને મહિલા બન્ને વર્ગમાં થશે. કરાટે જપાનનો પારંપરિક માર્શલ આર્ટ છે અને એની શરૂઆત જપાનના ઓકિનાવામાં ૧૮૬૮માં થઈ હતી. દેશમાં એની લોકપ્રિયતાને જોતાં એને કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યો છે. બેઝ બૉલ અને સૉફ્ટ બૉલ પહેલાં પણ ઑલિમ્પિકસનો ભાગ હતો. બેઝ બૉલને ૧૯૯૨ના બાર્સેલોનામાં સામેલ કરવમાં આવી હતી, જે ૨૦૦૮ સુધી હતી, પરંતુ ત્યાર બાદ એને હટાવવામાં આવી હતી. તો સૉફટ બૉલ ૧૯૯૬ ઍટલાન્ટા ઑલિમ્પિકસમાં હતી અને એ પણ ૨૦૦૮ સુધી હતી, પણ ત્યાર બાદ એને હટાવવામાં આવી હતી.

ભારતીય ખેલાડીઓની પ્રથમ ટુકડી અને કેટલાક વિદેશથી ટ્રેનીંગ પુરી કરી

સિધા ગેમ્સ વિલેજ પહોંચ્યાઃ પ્રેકટીસ ચાલુ

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓની પ્રથમ ટુકડી તથા કેટલાક ખેલાડી વિદેશમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરીને સીધા ટોક્યો પહોંચી ગયા છે અને પ્રોટોકોલને પૂરો કર્યા બાદ ગેમ્સ વિલેજમાં સ્થાયી પણ થઇ ગયા છે. હવે ખેલાડીઓ પોતાના મિશન ગોલ્ડને પૂરું કરવા માટે જોરશોરથી પ્રેકિટસ કરીને પરસેવો પાડી રહ્યા છે. ભારતીય સેઇલર વિષ્ણુ સરવનનને વિશ્વના ટોપ કલાસ ખેલાડી સાથે વિશ્વ સ્તરીય પ્રેકિટસ કરી રહ્યો છે અને તે સારું પરિણામ હાંસલ કરવાના પ્રયાસમાં છે. વિષ્ણુ મેન્સ લેજર કલાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દીપિકાકુમારી અને તેના પતિ અતનુ દાસ સહિત ટીમના અન્ય તીરંદાજોએ પણ તૈયારીની તક છોડી નહોતી અને સમય મળતા જ આર્ચરી રેન્જ ઉપર ગયા હતા. અન્ય બે આર્ચર પ્રવીણ જાધવ અને તરુણદીપ રાયે પણ રેન્જ ઉપર આકરી મહેનત કરી હતી. ભારતની મિકસ ટીમ ઇવેન્ટમાં દીપિકાકુમારી અને અતનુ દાસ પાસેથી મેડલની આશા રાખવામાં આવે છે. દીપિકાએ તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ જીતીને આર્ચરીમાં મેડલની આશા વધારે જીવંત બનાવી છે. દીપિકાની આ ત્રીજી ઓલિમ્પિક છે. 

ઓલિમ્પિક શરૂ થયાના પ્રથમ દિવસથી જ ભારતના રમતવીરો મેદાન મારવા સજજઃ શેડયુલ જાહેર

 નવી દિલ્હીઃ ઓલમ્પિક શરૂ થવામાં બે દિવસ જ આડા છે ત્યારે ભારતીય રમતવીરો પ્રેકિટસમાં પરસેવો પાડી મેદાન મારવા સજ્જ થયા છે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતના કુલ ૧૨૭ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં હોકી ટીમ માટે બે વધારાના ખેલાડી અને એક વધારાના ગોલ કીપરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ ૧૯૨૦થી સમર ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે ત્યારે વિશ્વ ફલકે છવાઈ જવા ભારતીય એથ્લેટ્સને ટોક્યો ઓલમ્પિક સ્વરૂપે મોટી તક સાંપડી છે.  કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો ઓલમ્પિક શરૂ થવાના દિવસે જ સવારે ૫:૩૦ વાગ્યે(ભારતીય સમય મુજબ) તિરંદાજીમાં દીપિકા કુમારીનો મુકાબલો હશે. જે બાદ સવારે ૯:૩૦ વાગ્યે મેન્સ ઈંડિવિઝયુલમાં અતાનું દાસ, પ્રવીણ જાદવ અને તરુણદીપ રાયનો મેચ હશે. જે બાદ ૨૪મીએ ટીમ એલિમિનેશનમાં અતાનું દાસ અને દીપિકા કુમારીનો મેચ હશે અને ૨૬મીએ પુરુષોની એલિમિનેશન રાઉન્ડ હશે. જે બાદ ૨૭મીએ પુરુષ અને મહિલાઓ બંનેના એલિમિનેશન મેચ હશે જે સવારે ૬ કલાકે યોજાશે અને બપોરે ૧ વાગ્યે નિર્ણાયક મેડલ મેચ યોજાશે.

 એથ્લેટીકસ કાર્યક્રમની શરૂઆત ૩૦મીથી થશે. જેમાં સવારે ૫:૩૦ વાગ્યે ૩૦૦૦ મિટરની દોડ હશે, જેમાં ભારત તરફે અવિનાશ સાબલે ભાગ લેનાર છે. જે બાદ ૭:૨૫ વાગ્યે પુરુષોની ૪૦૦ મિટરની વિઘ્નદોડનો પ્રથમ રાઉન્ડ યોજાશે, જેમાં ભારત તરફે એમ.પી. જબીર ભાગ લેશે. સવારે ૮:૧૦ વાગ્યે મહિલાઓનો વિઘ્નદોડનો પ્રથમ રાઉન્ડ યોજાશે જેમાં દુતી ચાંદ ભાગ લેનાર છે અને સાંજે ૪:૩૦ વાગ્યે ૪૦૦ મીટરની રિલે દોડ યોજાનાર છે જેમાં ભારત તરફે એલેકસ એન્ટોની, સાર્થક ભામ્બ્રિ, રેવતી વિરામની, શુભા વેંકટેશન ભાગ લેશે.  ૩૧મી જુલાઈએ મહિલાઓની ડિસ્ક થ્રો યોજાશે જેમાં ભારત તરફે સીમા પુનિયાને કમલપ્રીત કૌર ભાગ લેશે. જે બાદ બપોરે ૩:૪૦ વાગ્યે પુરુષોની લોન્ગ જમ્પ યોજાશે જેમાં ભારતના એમ. શ્રીશંકર ભાગ લેશે. ૩:૪૫ વાગ્યે મહિલાઓની ૧૦૦ મીટર દોડનો સેમિફાઇનલ યોજાશે. જો દુતી ચાંદ અગાઉના મેચમાં કવોલિફાઈ કરશે તો તે આ રેસમાં પણ ભાગ લેશે. જે બાદ ૬:૦૫ વાગ્યે ૪૦૦ મિટરની રિલે રેસનો ફાઇનલ યોજાશે જેમાં ભારત તરફના ચાર ખેલાડીઓ પૈકી અગાઉ કવોલિફાઈ કરનાર ભાગ લઈ શકશે.

 ૧લી ઓગસ્ટે સાંજે ૫:૩૫ વાગ્યે વિઘ્નદોડની ૪૦૦ મીટર સેમિફાઇનલ યોજાશે જેમાં અગાઉ જબીર કવોલિફાઈ થયો હોય તો ભાગ લઈ શકશે. જે બાદ ૨જી ઓગસ્ટથી તમામ મેચો કવોલિફાઈ અને સેમિફાઈનલ અને ફાઇનલ મેચો ૬ઠ્ઠી ઓગસ્ટ સુધી યોજાશે.

એથ્લેટસ ભારતીય વ્યંજનોનો સ્વાદ માણશે

છોલે ભટુરે, નાન, પરાઠા, બટર, ચીકન, શાહી પનીર, ભીંડા, બટાકા, બિરયાની, બાફેલી પાલક જેવી વાનગીઓની મજા માણશે

નવી દિલ્હીઃ બેઇજિંગ ઓલિમ્પિક બાદ ૨૦૧૨ની લંડન ગેમ્સ તથા ૨૦૧૬ની રિયો ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ માટે લંચ કે ડિનરમાં ભારતીય વ્યંજનોનો વિકલ્પ નહીં હોવાની મોટાપાયે ફરિયાદો થઇ હતી. આ બાબતને ગંભીરતાથી લઇને ટોક્યો ઓલિમ્પિકની આયોજન સમિતિને ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા વિશેષ સૂચના આપી દેવામાં આવી છે કે ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ માટે ભારતીય આહારનો વિકલ્પ પણ રાખવો.

 આયોજન સમિતિએ તાત્કાલિક ભારતીય ખેલાડીઓ માટે મેનૂ તૈયાર કરી દીધું છે જેમાં છોલે ભટૂરે, બટર અને પ્લેન નાન, પરાઠા, બટર ચિકન, ટોફૂ (સોયા પનીર), ટામેટાં અને શાહી પનીર, ભીંડા, કઢી, બાસમતી અને જાસમીન રાઇસ, બિરયાની, બાફેલી પાલક અને બટાકાને સામેલ કર્યા છે. આ તમામ વ્યંજન ન્યૂટ્રિશનથી ભરપૂર રહેશે જેમાં શકિત, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ તથા મીઠું પૂરતી માત્રામાં રહેશે. ઓલિમ્પિકમાં દેશી વ્યંજનોના કારણે ભારતીય એથ્લેટ્સને રાહત થઇ છે અને તેઓ પોતાનું ધ્યાન ઇવેન્ટ ઉપર કેન્દ્રિત કરી શકશે. 

એથ્લેટીકસ વિલેજમાં રહેતા ખેલાડીઓ અને ટીમોમાં અજંપાભરી સ્થિતિ

ઓલિમ્પિકમાં ભાગ લેનાર અત્યાર સુધીમાં ૫૦ થી વધુ એથ્લેટસ આઇસોલેશનમાં : કેટલાક ખેલાડીઓ ભાગ નહિ લઇ શકે ?

(3:19 pm IST)