Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ચંદ્ર પર માનવીના પ્રથમ પગલાને ૫૨ વર્ષ પૂર્ણઃ ૧૯૬૯માં ઉતર્યા હતા આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિન

નવી દિલ્હી તા. ૨૦ : જયારે ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ અપોલો ૧૧ ચંદ્ર પર લેન્ડ કર્યું તો દુનિયાને વિશ્વાસ ન થયો કે આવી સિદ્ઘિ મળી છે. માનવને પ્રથમ વખત ચંદ્ર પર પહોંચાડનાર અપોલો મિશન ૧૧ને આજે ૫૨ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. ચંદ્ર પર મિશન માટે અપોલો-૧૧ ૨૦ જુલાઈના રોજ રવાના થયું હતું અને ૨૪ જુલાઈ ૧૯૬૯ના રોજ ધરતી પર પરત ફર્યું હતું. આ દરમિયાન જે કંઈપણ થયું તે ઇતિહાસ બની ગયું.

આજે અહીં જાણીશું કે જયારે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ઉતાર્યા ત્યારે તેમને માટીની કેવી ગંધ આવી હતી અને તેમના પ્રથમ શબ્દો શું હતા. સાથે જ તેઓ ત્યાં કેટલા કલાક રહ્યા હતા. એટલું જ નહીં તેમણે પૃથ્વી પર પરત ફરતા સમયે ચંદ્ર પર ૧૦૦થી વધુ સમાન છોડી દીધો હતો.

પરંતુ શું તમે જાણો છો કે ચંદ્ર પર ઉતાર્યા બાદ બંને અંતરિક્ષ યાત્રીઓએ ત્યાં કેટલો સામાન છોડ્યો હતો અને તેમણે કેટલા કલાક ચંદ્ર પર વિતાવ્યા હતા?

ચંદ્રની ધરતી પર પહોંચ્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગે ત્યાંની ધરતી પર ઝંડો રોપ્યો હતો, પરંતુ તે થોડી જ વારમાં પડી ગયો. કારણ કે ત્યાંની કપરી પરિસ્થિતિમાં તેનું ટકવું મુશ્કેલ હતું. જયારે નીલ અને એલ્ડ્રિન ચંદ્ર પર પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા કમ્યુનિયન વેફર ખાધી હતી.

ચંદ્ર પર પહોંચ્યા બાદ સૌથી પહેલા જે શબ્દો બોલાયા હતા તે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બઝ એલ્ડ્રિને પ્રથમ બે શબ્દો બોલ્યા હતા 'કોન્ટેકટ લાઇટ'.

ચંદ્ર પરથી વિમાન ઇગલ દ્વારા પરત આવ્યા પછી તેમના સ્પેસ સૂટમાં ચંદ્રની ધરતીની માટી હતી. તેમણે વર્ષ ૨૦૦૯ જણાવ્યું હતું કે તે માટીમાંથી એક અલગ જ પ્રકારની ગંધ આવી રહી હતી. જે ગન પાવડર જેવી હતી, આ ગંધ આતશબાજી બાદ આવે તેવી ગંધ હતી.

ઉપર જણાવ્યા અનુસાર તેઓ કુલ ૧૦૬ ચીજો ચંદ્ર પર છોડીને આવ્યા હતા. જેમાંથી કેટલોક સામાન તેઓ વધુ માત્રામાં છોડી આવ્યા હતા.

(3:19 pm IST)