Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમેરિકાએ ભારતના પ્રવાસને લઇને ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધાર કર્યો : લેવલ ૪માંથી લેવલ ૩ અપગ્રેડ કર્યું

લેવલ ૩ અંતર્ગત લોકોને પ્રવાસ પર પુનર્વિચાર કરવા કહેવામાં આવે છે, જ્યારે લેવલ ૪નો મતલબ છે કે પ્રવાસ કયારેય ન કરવો

નવી દિલ્હી તા. ૨૦ : કોરોનાના કહેરની વચ્ચે સંયુકત રાજય અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કર્યો છે. આને લેવલ ૪થી લેવલ ૩ કેટેગરી સુધી અપગ્રેડ કર્યુ છે. લેવલ ૩ અંતર્ગત લોકોને પ્રવાસ પર પુનર્વિચાર કરવા કહેવામાં આવે છે. જયારે લેવલ ૪નો મતલબ છે કે પ્રવાસ કયારેય નથી કરવાનો.

સીડીસી દ્વારા કોવિડ ૧૯ના કારણે ભારત માટે લેવલ ૩ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કર્યા બાદ વિદેશ વિભાગની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એફડીએ દ્વારા ઓથોરાઈઝ રસી લગાવી ચૂકયા છો તો તમારામાં કોરોનાના લક્ષણો વિકસિત થવાની શકયતા ઓછી છે. પરંતુ પ્રવાસ પહેલા સીડીસીની ભલામણોને જરૂર વાંચો.

અમેરિકાએ ભારત માટે એક લેવલ ૪ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી હતી. સીડીસીની ભલામણ છે કે લોકોને તે જગ્યાના પ્રવાસ પર પુનવિચાર કરે જયાં લેવલ ૩માં કેટેગરાઈઝ કરવામાં આવ્યા છે અને આ લોકો ત્યાં પ્રવાસ કરે છે તો તે સુનિશ્ચિત કરી લે કે તેમને રસી લાગી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં જયારે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી તો અમેરિકાએ ભારત માટે એક લેવલ ૪ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી હતી.

(3:21 pm IST)