Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રસીકરણ પછી લોકોની બેચેની અને ગભરાટમાં વધારો

દોઢ મહિનામાં આવ્યા ૬૦ કેસ, ૩૬ કરાવવા પડયા દાખલઃ મુખ્ય કારણ લોકોને રસી પર વિશ્વાસ નથી

નવી દિલ્હી, તા., ૨૦: રસી લીધા પછી બેચેની, ગભરાટ, ચિંતા વગેરે લક્ષણોના કારણે લોકો ગંભીર રીતે બિમાર પડી રહયા છે. જો કે રસીકરણ વિજ્ઞાન આવી ઘટનાઓને દુર્લભ નથી માનતુ પણ કોરોના રસીકરણમાં આની વધતી સંખ્યા ચિંતાજનક જરૂર ગણે છે. પરિસ્થિતિ એવી છે કે રસીકરણમાં સામેલ ઘણા લોકો બેચેનીના કારણે હોસ્પીટલમાં પહોંચી ગયા. અત્યાર સુધીમાં આના કારણે દેશમાં પહેલુ મોત પણ નોંધાઇ ચુકયું છે.

કેન્દ્ર સરકારની રસીકરણ સમીતી જે આવી આડઅસરની ઘટનાઓની દર મહિને સમીક્ષા કરે છે તેના રીપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢ મહીનામાં રસીકરણ પછી ૬૦ આડઅસરની ઘટનાઓ બહાર આવી છે. જયારે આમાંથી દરેક કેસની અલગ અલગ સમીક્ષા કરવામાં આવી તો જાણવા મળ્યું કે પ૦ ટકાથી વધારે એટલે કે ૩૬ લોકો એવા હતા જેમને રસી મુકાવ્યા પછી તેના પર વિશ્વાસ નહોતો અને બેચેનીના લીધે તેમને આઇસીયુમાં દાખલ કરવા પડયા.

નિષ્ણાંતો અનુસાર, કોરોનાથી બચવા લોકો રસી તો લઇ રહયા છે પણ તેમને ભરોસો નથી કે જે રસી લીધી છે તે તેમના માટે સંપુર્ણ સુરક્ષીત છે. તેમને લાગે છે કે તાવ, કળતર અથવા બ્લડ દ્વારા તેમને કંઇક થઇ જશે. આ ચિંતા જ તેમને હોસ્પીટલ ભેગા  કરે છે.

(3:21 pm IST)