Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પેગાસસ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ફોનની પણ આ ઇઝરાયલી સોફ્ટવેર દ્વારા જાસૂસી: પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો: આ મુદ્દાને વૈશ્વિક મંચ પર ઉઠાવશે

ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની એનએસઓના સ્પાઇવેર પેગાસસ દ્વારા ભારતમાં  કેટલાક પત્રકાર અને જાણીતી હસ્તીઓના ફોનની જાસૂસી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ફોનની પણ આ ઇઝરાયલી સોફ્ટવેર દ્વારા જાસૂસી થયાની વાત સામે આવી છે. હવે પાકિસ્તાને તેને લઇને ભારત પર આરોપ લગાવ્યો છે. સાથે એમ પણ કહ્યુ છે કે તે આ મુદ્દાને વૈશ્વિક મંચ પર ઉઠાવશે.

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ઇમરાન ખાનના ફોનની જાસૂસીને લઇને કહ્યુ, અમે ભારત દ્વારા હેકિંગના અહેવાલની રાહ જોઇ રહ્યા છીએ, તેમણે કહ્યુ- એક વખત ડીટેલ મળ્યા બાદ આ મુદ્દાને યોગ્ય મંચ પર ઉઠાવવામાં આવશે. આ પહેલા એક ટ્વીટમાં ચૌધરીએ તે રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતું કે ભારત સરકારે કથિત રીતે પત્રકાર અને વિપક્ષની જાસૂસી કરાવવા માટે ઇઝરાયલના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે.

પેગાસસ જાસૂસી કેસ સામે આવ્યા બાદ ભારતમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નંબર પણ આ યાદીમાં મળ્યો છે. જોકે, ૨૦૧૯માં આ મુદ્દો ઉઠ્યા બાદ ભારત સરકારે પેગાસસ સોફ્ટવેરના ઉપયોગનો ઇનકાર કર્યો હતો અને કેન્દ્ર સરકારે આ રિપોર્ટના ટાઇમિંગને લઇને સવાલ ઉભા કર્યા છે.

વિવાદ વચ્ચે પેગાસસ સ્પાઇવેરને તૈયાર કરનારી કંપની એનએસએઓએ કહ્યુ કે આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે.એનએસઓને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું પેગાસસ સોફ્ટવેર ભારત સરકાર અથવા ભારત સરકાર સાથે જોડાયેલી કોઇ અન્ય સંસ્થા દ્વારા ખરીદવામાં આવ્યુ છે? જેની પર જવાબ આપતા કહ્યુ- અમે કોઇ પણ કસ્ટમરનો ઉલ્લેખ નથી કરી શકતા, જે દેશને અમે પેગાસસ વેચીએ છીએ, તેમની યાદી સીક્રેટ જાણકારી છે. અમે વિશિષ્ટ ગ્રાહકો વિશે નથી બોલી શકતા પરંતુ આ મામલે જાહેર દેશોની યાદી પુરી રીતે ખોટી છે, આ યાદીમાં કેટલાક તો અમારા ગ્રાહક પણ નથી. અમે માત્ર સરકાર અને સરકારના કાયદા વિભાગ અને જાસુસી સંગઠનોને વેચીએ છીએ. અમે વેચાણ પહેલા અને બાદમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સિદ્ધાતોની સભ્યતા લઇએ છીએ. કોઇ પણ આંતરરાષ્ટ્રીય પ્રણાલીનો કોઇ દુરઉપયોગ થતો નથી.

ગ્રુપનું એમ પણ કહેવુ છે કે તેમના સોફ્ટવેરનો ઉપયોગ ક્યારેય પણ કોઇના ફોનની વાત સાંભળવા, તેને મોનિટર કરવા, ટ્રેક કરવા અને ડેટા ભેગા કરવામાં થતો નથી. ગ્રુપ અનુસાર પેગાસસ સોફ્ટવેર કેટલાક પસંદગીના દેશોની કાયદાકીય એજન્સીઓને આપવામાં આવે છે જેમનો અર્થ કોઇનો જીવ બચાવવા અને દેશની સુરક્ષા કરવાનો હોય છે.

(3:47 pm IST)