Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કંદહાર ઉપર તાલિબાનો ત્રાટકયા : પોસ્ટ છોડી ભાગી રહ્યા છે અફઘાન સૈનિકો

નવી દિલ્હી,તા. ૨૦: અફઘાનિસ્તાનમાં એક વખત ફરીથી તાલિબાન કહેર બનીને તૂટી રહ્યાં છે. અફઘાનિસ્તાનના મોટા હિસ્સાઓમાં આ વખતે તાલિબાનનો કબ્જો છે, ત્યારે હવે તાલિબાનીઓની નજર કંદહાર શહેર પર છે.

હાલમાં જ કંદહાર શહેરમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા, જયા એક ભારતીય પત્રકારનું મોત પણ થયું છે. હવે તાલિબાનની કોશિશ છે કે, કંદહાર પર કબ્જો જમાવી લેવામાં આવે, તેથી અફઘાની સેના આ કોશિશને નિષ્ફળ બનાવવામાં લાગી છે.

કંદહાર અફઘાનિસ્તાનનું બીજુ સૌથી મોટું શહેર છે, એવામાં તાલિબાનની કોશિશ અહીં કબ્જો કરીને મોટો સંદેશ મોકલવાનો છે. કંદહારના ચારે તરફ તાલિબાની સૈનિકો ગોઠવાઇ દયા છે અને શહેરની અંદર ઘુસવાની ફિરાકમાં છે. સ્થિતિ એવી છે કે અફઘાનિ સેનાએ અહીં અનેક પોલીસ-સુરક્ષા પોસ્ટ ખાલી કરી દીધી છે, જેના પર હવે તાલિબાનનો કબ્જો છે.

આ કારણે કંદહારમાં રહેનારા લોકોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કંદહારના ગ્રામીણ વિસ્તારમાં રહેનારા લોકો શહેરી વિસ્તાર તરફ વધી રહ્યાં છે, કેમ કે બહારના વિસ્તારમાં હવે તાલિબાનનો કબ્જો છે. જયારે શહેરી વિસ્તારમાંથી જે લોકો બહાર જઈ રહ્યાં છે, તેઓ કાબૂલ ભાગી રહ્યાં છે. જે લોકોને તક મળી રહી છે, તે વિદેશ પણ જઈ રહ્યાં છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે તાલિબાન સાથે જોડાયેલા મુદ્દા પર લોકોને સંબોધિત કર્યા. અશરફ ગની અનુસાર, તાલિબાન તરફથી શાંતિના કોઈ સંકેત મળ્યા નથી. અશરફ ગનીએ કહ્યું કે, પાછલા એક વર્ષે તેમને માત્ર આ મુદ્દાને ઉકેલવા માટે નિકાળ્યો છે, તેમને આશા છે કે ઝડપી અમે આ મુશ્કેલીમાંથી બહાર નિકળીશું.

જણાવી દઈએ કે, તાલિબાને આ વખત અફઘાનિસ્તાના એક મોટા હિસ્સા પર કબ્જો જમાવી લીધો છે. બીજી તરફ દોહામાં તે વાતચીતની કોશિશમાં લાગ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે જ અફઘાનિસ્તાનમાં કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી ધમાકો કરવામાં આવ્યો. અહી નમાજ પઢવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક રોકેટો થકી હુમલો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેના પાછળ તાલિબાનનો હાથ છે.

(3:53 pm IST)