Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જાસૂસી કાંડ મુદ્દે લોકસભા- રાજયસભામાં વિપક્ષોનો હંગામો : બંને ગૃહની કાર્યવાહી સ્થગિત

સરકાર અને પેગેસસ વચ્ચે સંબંધ નથીઃ સરકાર : સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યુ હતુ કે, સરકાર અને પેગેસસ વચ્ચે કોઈ સંબંધ નથી

નવી દિલ્હી, તા.૨૦: મોબાઈલ ફોન પર પેગેસસ નામના સોફ્ટવેર થકી જાસૂસી કરવાના મામલામાં આજે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ ભારે હંગામો જોવા મળી રહ્યો છે.

આજે સવારે ૧૧ વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ લોકસભા અને રાજયસભા એમ બંને હાઉસમાં વિપક્ષ દ્વારા હંગામો શરૂ કરાયો હતો. જેના પગલે બંને હાઉસની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યુ હતુ કે, સરકાર અને પેગેસસ વચ્ચે કોઈ સબંધ નથી.આઈટી મંત્રી આ મુદ્દે પહેલા પણ નિવેદન આપી ચુકયા છે. પીએમ મોદીએ પણ એવી લાગણી વ્યકત કરી છે કે, કોંગ્રેસનો વ્યવહાર બહુ બીનજવાદારી ભર્યો છે.

દરમિયાન સંસદની બહાર અકાલી દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને કહ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા લોકસભામાં ખેડૂતોને લગતા મુદ્દો ઉઠાવાયો નથી. કોંગ્રેસને ખેડૂતોની પરવા નથી.

દરમિયાન રાજયસભાની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ ૧૨ વાગ્યે ફરી શરૂ કરાઈ હતી પણ વિપક્ષો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા રાજયસભાની કાર્યવાહી ફરી સ્થગિત કરવામાં આવી હતી. રાજયસભામાં હંગામાના કારણે ઝીરો અવર પર ચર્ચા થઈ શકી નહોતી. કોંગ્રેસે કહ્યુ હતુ કે, જાસૂસી કાંડ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દ છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

(3:55 pm IST)