Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડાપ્રધાન જવાબદારી સ્વીકારવાના બદલે બલીનો બકરો બનાવે છેઃ હર્ષવર્ધનના રાજીનામાને લઇ વિપક્ષી દળના નેતા ખડગેઍ રાજ્યસભામાં લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં કોરોના પરની ચર્ચા દરમિયાન વિપક્ષે દાવો કર્યો કે સરકાર મહામારીના પ્રબંધનમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રી સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યાં છે અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને બલિનો બકરો બનાવી દેવાયા.

વિપક્ષી દળોના નેતા ખડગેએ રાજ્યસભામાં આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કોરોનાના આંકડા છુપાવ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના આટલો ભયાનક બનશે તેની કલ્પના નહોતી. પરંતુ દેશ આ મહામારીની બીજી લહેરમાંથી પસાર થયો અને કહેવાઈ રહ્યું છે કે આપણે ત્રીજી લહેર નજીક પહોંચ્યા છીએ. નોટબંધીની જેમ લોકડાઉનની જાહેરાત પણ રાતના સમયે કરવામાં આવી. 24 માર્ચની રાતે કરવામાં આવી છે. આ જાહેરાત બાદ પ્રવાસી કામદારો કેટલી હદ સુધી પરેશાન થયા તે આપણે બધાએ જોઈ લીધું. લોકડાઉનની જાહેરાત ફક્ત આઠથી પંદર દિવસ સુધી કરવી જોઈતી હતી પ્રવાસી કામદારોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી આ જવાબદારી સરકારની હતી પરંતુ તે નિષ્ફળ રહી.

પોતાના બનાવેલા નિયમો ખુદ સરકારે તોડ્યાં

ખડગેએ કહ્યું કે પોતાના દ્વારા બનાવાયેલા નિયમો તોડવાનો બધો યશ આ સરકારને ફાળે જાય છે. તમે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું જણાવ્યું પરંતુ પોતે કદી પણ તેનું પાલન ન કર્યું. તમે શું કરી રહ્યા હતા પશ્ચિમ બંગાળ અને બીજા ચૂંટણી રાજ્યોમાં. જે નિયમ તમે બનાવ્યો, તેને તોડવાનું શ્રેય પણ તમારે ફાળે જાય છે.

પીએમ પોતાની જાતે દોષ લેતા નથી, બલિનો બકરો શોધે છે

ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રીની અપીલ પર લોકોએ થાળી વગાડી, દીવા પ્રગટાવ્યાં, પોતાની જાતને ઘરોમાં પુરી રાખી પરંતુ તમે તેમનો ભરોસો તોડી નાખ્યો લોકોએ તમારી પર ભરોસો મૂક્યો પરંતુ તમે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો. ખડેગેએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રીને તમે બલિનો બકરો બનાવી દીધા. પ્રધાનમંત્રી મોદી ઉપર કોઈ દોષ લેતા નથી. બલિનો બકરો શોધતા હોય છે.

નોકરીઓ ગઈ, મોંઘવારી વધી

ખડગેએ કહ્યું કે કોરોનાના કુપ્રબંધનને કારણે લાખો લોકોની નોકરીઓ ગઈ, ઈકોનોમી તબાહ થઈ. મોંઘવારી વધી. અમે લોકોના હાથમાં પૈસા આપવાનું કહ્યું હતું. પરંતુ અમારી સલાહની ઉપેક્ષા કરાઈ. ખડગેએ કહ્યં કે પ્રવાસી કામદાર, નોકરી-રોજગારી જવી, હોસ્પિટલોમાં બેડ-ઓક્સિજનની અછત, લોકડાઉન અને ઈકોનોમીની તબાહી વગેરે પર સરકારે કોઈ ચિંતા ન દર્શાવી. સરકારને જાહેરખબરને દેખાડવામાંસ લોભામણી વાતો કરવામાં તથા તેને વારંવાર દેખાડવામાં મહારત હાંસલ છે.

(5:32 pm IST)