Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સિદ્ધુ પછી સચિન : કોંગ્રેસ હવે સચિનને પાયલોટને બનાવશે પ્રદેશ પ્રમુખ : રાજસ્થાનના ડખ્ખાનો પણ ઉકેલ લાવવા ફોર્મ્યુલા

ચૂંટણી કોંગ્રેસ પાયલોટના નેતૃત્વમાં લડે અને પાયલોટ જીતે તો મુખ્યમંત્રી બનાવાશે

નવી દિલ્હી : કોંગ્રેસે નવજોત સિધ્ધુને પંજાબ કોંગ્રેસ પ્રમુખપદ આપીને સૌને આંચકો આપી દીધો છે. કેપ્ટન અમરિન્દરસિંહના નહેરૂ-ગાંધી પરિવાર સાથેના સંબંધો અને પંજાબ કોંગ્રેસ પર વર્ચસ્વને જોતાં કેપ્ટનની ઈચ્છા વિરૂધ્ધ સિધ્ધુને આટલો મોટો હોદ્દો મળશે એવી કોઈને આશા નહોતી.

કોંગ્રેસનાં સૂત્રોના મતે આ નિર્ણય સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકાને બધું સોંપી દેવાનો નિર્ણય કર્યો હોવાનો પુરાવો છે. કેપ્ટને જૂના જોગીઓને કામે લગાડીને સિધ્ધુને કશું પણ ના મળે એ માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. કેપ્ટને સિધ્ધુને ‘જોકર’ ગણાવીને તેને પ્રદેશ પ્રમુખ બનાવાશે તો કોંગ્રેસમાં ભંગાણ પડશે એવી ચીમકી પણ સોનિયાને લખેલા પત્રમાં આપી હતી. સોનિયાએ એ બધી વાતોને અવગણીને રાહુલ-પ્રિયંકાની વાત માનીને સિધ્ધુને મહત્વ આપ્યું છે

સૂત્રોના મતે, રાહુલ હવે રાજસ્થાનમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવીને સચિન પાયલોટને પ્રદેશ પ્રમુખ બનાવશે. રાજસ્થાનમાં ૨૦૨૩ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી કોંગ્રેસ પાયલોટના નેતૃત્વમાં લડે અને પાયલોટ જીતે તો મુખ્યમંત્રી બનાવાય એવી ફોર્મ્યુલા સાથે એકાદ મહિનામાં પાયલોટને સુકાન સોંપી દેવાશે.

(6:22 pm IST)