Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતની પ્રશંસા કરી કહ્યું - ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઠરાવ પ્રમાણે જમ્મુ-કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવું જોઈએ: શાહબાઝ શરીફ

નવી દિલ્લી : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શાહબાઝ શરીફે ભારત સાથે સમાનતા, ન્યાય અને પરસ્પર સન્માન અને કાશ્મીર મુદ્દાના ઉકેલના સિદ્ધાંતોના આધારે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઠરાવ પ્રમાણે જમ્મુ-કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવું જોઈએ.

શરીફે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા માટે મુખ્ય ભૂમિકા ભજવવાની જરૂર છે. શરીફનું નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની સ્વતંત્રત વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. ભારતે પશ્ચિમી રાષ્ટ્રોનો દબાણ હોવા છતાં દેશના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદ્યું હતું.

એપ્રિલ મહિનામાં સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાને યુએસ પર આરોપ લગાડ્યો હતો કે તેમની સામે પડયંત્ર રચવામાં આવ્યું છે. બાઈડેન વહીવટીતંત્રની ઝાટકણી કાઢતા ઈમરાન ખાને ઘણીવાર ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતે તેના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદ્યું છે.

લાહોરમાં સંબોધન દરમિયાન પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને - ભારતના વિદેશમંત્રી જયશંકર ઐયરનો વીડિયો મંચ પર પ્લે કર્યો હતો. તેમણે ભારતને ઉદ્દેશીને કહ્યું હતું કે આ સ્વતંત્ર હુકુમત (શાસન) છે.

(9:41 pm IST)