Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજસ્થાનના પાલીમાં ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રેલરની વચ્‍ચે ગોઝાર અકસ્‍માતઃ ૭ લોકોનો ભોગ લીધોઃ ર૦ લોકો ઇજાગ્રસ્‍ત

અંબાજીથી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા રામદેવરાના દર્શન માટે જઈ રહ્યા હતા ત્‍યારે બનાવ બન્‍યો હતોઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખ઼ડે ટ્વીટ દ્વારા રાજસ્થાનના પાલીના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યુ

રાજસ્થાનના પાલીમાં રોડ અકસ્માતમાં 7નાં  મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.   ઘાયલોની  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 7ના  મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.  સુમેરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામેશ્વર ભાટીએ જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રેલરની ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે ટ્રેક્ટર ટ્રોલી રામદેવરાથી પાલી પરત ફરી રહેલા ભક્તોને લઈ જઈ રહી હતી.

સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7ના  મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતના અંબાજીથી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા રામદેવરાના દર્શન માટે જઈ રહ્યા હતા.

આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરતા  કહ્યું કે, રાજસ્થાનના પાલીમાં થયેલ અકસ્માત ખૂબ જ  દુઃખદ ઘટના છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે. તેમજ  હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.” ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખ઼ડે ટ્વીટ દ્વારા રાજસ્થાનના પાલીના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કરતા  મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે. તેમજ  ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

(12:11 pm IST)