Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ૫૦ લાખ ભાઈ બહેનો ઉમટી પડ્યા

કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિર પહોંચ્યા. પૂજા કરી:મુખ્યમંત્રીએ બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું

મથુરા:મધરાતે ૧૨ વાગ્યે મથુરા સહિત સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મથુરામાં કાન્હાના જન્મના સાક્ષી બનવા માટે લગભગ ૫૦ લાખ ભક્તો અહીં ઉમટી પડ્યા છે.  જન્માષ્ટમીના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરા પહોંચ્યા હતા. તેઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર પૂજા કરી હતી. રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણના જન્મસ્થળનું પરિસર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર મહાભિષેકનો આ પરિક્રમ રાત્રે ૧૨.૪૦ સુધી ચાલ્યો હતો.  આ પછી ઠાકુરજીને શૃંગાર કરવામાં આવ્યો હતો.  આ સમગ્ર દ્રશ્યના સાક્ષી રહેલા લાખો ભક્તોની ખુશીની કોઈ સીમા ન હતી.  દરેક વ્યક્તિ ઠાકુરજીના દર્શન કરવા આતુર હતા.  મોડી રાત સુધી જન્મદિવસની ઉજવણી ચાલુ રહી હતી.

પ્રાગટ્ય પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મસ્થાનના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજે ભગવાન શ્રી કૃષ્ણનો મહાભિષેક કર્યો હતો.  આ પ્રસંગે મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજ સાથે જન્મસ્થળના મેનેજિંગ ટ્રસ્ટી અનુરાગ દાલમિયા, સેક્રેટરી કપિલ શર્મા, ગોપેશ્વરનાથ ચતુર્વેદી પણ સહયોગી બન્યા હતા.

કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિર પહોંચ્યા.  અહીં તેમણે પૂજા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું.
 
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.  આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દહીંહાંડી તોડી હતી.

(12:47 pm IST)