Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

હિમાચલમાં ભારે વરસાદ પંજાબનો જોડતો ચકકી નદી ઉપરનો ઐતિહાસિક રેલ્‍વે બ્રીજ તૂટી ગયોઃ જિલ્‍લામાં ભારે વરસાદની ચેતવણી

શિમલા: હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે પંજાબ અને હિમાચલને જોડનાર રેલ્વેનો ચક્કી પુલ તૂટી ગયો છે. ચક્કી નદીમાં ઐતિહાસિક પુલ તાશના પત્તાની જેમ તૂટી ગયો હતો. કાંગડામાં રેલ્વે પુલના અસુરક્ષિત થવાને કારણે રેલ્વે સેવા ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી રોકી દેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઇડ અને ભૂસ્ખલન થઇ રહ્યુ છે જેને કારણે રોડ માર્ગ પણ પ્રભાવિત થયો છે.

ભારે વરસાદ વચ્ચે જગ્યાએ જગ્યાએ ભૂસ્ખલન થઇ રહ્યુ છે. કેટલાક મકાનોને પણ નુકસાન થયુ છે. ધર્મશાળા- કાંગડા નેશનલ હાઇવે ઉપર  સકોહમાં પણ ભૂસ્ખલન થતા ત્રણ કલાક રસ્તો બંધ રહ્યો હતો. મંડીમાં પધર-જોગિન્દરનગર વાયા નૌહલી માર્ગ પર પણ પહાડ પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.

 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ચંબા ભરમૌર પઠાણ કોટ પર રસ્તા ધસવાને કારણે એક બસ ખીણમાં પડતા બચી ગઇ હતી. ચંબાના ડલહૌજીથી પટિયાલા જતી બસ શનિવાર સવારે રસ્તો તૂટી જતા ખીણમાં પડતા બચી ગઇ હતી.

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન સામાન્યથી હળવો  ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાનખાતાએ કાંગડા, કુલ્લૂ, મંડી, શિમલા, સોલન, સિરમૌર, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

(1:10 pm IST)