Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

આતંકવાદીઓના રડાર પર પંજાબ પોલીસના અનેક ઓફિસર્સ: અધિકારીના વાહનની નીચેથી વિસ્ફોટકો મળી આવ્યા

ચંદીગઢ:પંજાબમાં મોહાલી, તરનતારન, અમૃતસર અને અનેક અન્ય જિલ્લાઓમાં પોલીસ અધિકારીઓના કાર્યાલય આતંકવાદીઓની રડાર પર છે. ગુપ્ત સૂત્રોના હવાલે આ જાણકારી પ્રાપ્ત થઈ છે. અમૃતસરમાં એક પોલીસ અધિકારીના વાહનની નીચેથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ આ સમાચાર સામે આવ્યા છે.

પંજાબ પોલીસે વાહનમાં વિસ્ફોટક લગાવનાર બે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બંને લોકો પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી વિસ્તારના રહેવાસી છે. સબ-ઈન્સ્પેક્ટર દિલબાગ સિંહના વાહનની નીચે લગાવવામાં આવેલ IED મંગળવારે રણજીત એવન્યુ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. કાર સાફ કરી રહેલા કર્મચારીએ તેને જોયા બાદ સૂચના આપી હતી.

પોલીસને સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું કે, મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વાહનની નીચે વિસ્ફોટક સામગ્રી મૂકી દીધી હતી. અધિક પોલીસ મહાનિર્દેશક આર. એન. ધોકેએ જણાવ્યું હતું કે, વિસ્ફોટકનું વજન લગભગ 2.70 કિલો હતું જેમાં આરડીએક્સ અને ટાઈમર લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થળ પરથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.

અધિકારીએ કહ્યું કે, પોલીસ આતંકવાદના એંગલથી પણ તેની તપાસ કરી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ધોકેએ કહ્યું કે, દિલબાગ સિંહ ખૂબ જ સક્ષમ અધિકારી છે અને ભૂતકાળમાં તેણે અદ્ભુત કામ કર્યું છે. અમે તેમની સુરક્ષા વધારીશું. આ IED ક્યાંથી આવ્યું તે અત્યારે કહેવું મુશ્કેલ છે. જો કે, પંજાબમાં અત્યાર સુધી જે પ્રકારના IED મળી આવ્યા છે તે તમામ પાકિસ્તાનમાંથી આવ્યા છે.

(3:45 pm IST)