Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મનિષ સિસોદિયાના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર: કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર

નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના આરોપો પર ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર છે. મનિષ સિસોદિયાએ જવાબ આપવો પડશે કે દિલ્હીની લીકર પોલીસી જો એટલી સારી હતી તો તેને પાછી કેમ ખેંચી ? સીએમ અરવિંદ કેજરીવાલે જવાબ આપવો પડશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મનિષ સિસોદિયા દારૂ કૌભાંડના નંબર ૧ આરોપી છે,  પરંતુ કર્તાહર્તા અરવિંદ કેજરીવાલ છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કૌભાંડ બાદ તેમના ચહેરાનો રંગ કેવો ઉડી ગયો. તેઓ કોઈ સવાલના જવાબ પણ આપી શક્યા નથી.
 દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને અનુરાગ ઠાકુરે પૂછ્યું કે જો તમારી દારૂ નીતિ યોગ્ય હતી તો તમે તેને પાછી કેમ ખેંચી? આ ચોરની દાઢીમાં તણખલા જેવું છે. દારૂના વેપારીઓ માટે સોફ્ટ કોર્નર કેમ છે? હું અરવિંદ કેજરીવાલને દેશની સામે આવવાનો અને ૨૪ કલાકમાં જવાબ આપવાનો પડકાર  ફેંકુ છું.

અનુરાગ ઠાકુરે કહ્યું કે એવું લાગે છે કે મનિષ સિસોદિયાએ પોતાના નામનો સ્પેલિંગ ચેન્જ કરી લીધો છે. હવે તેમના નામનો સ્પેલિંગ છે 'Money shh'. પૈસા કમાઓ અને ચૂપ બેસી જાઓ. કૌભાંડ કરો અને ઉલ્ટા પગે ભાગો. જનતાને પીઠ દેખાડો. મીડિયાના સવાલના જવાબ ન આપો અને કોઈ મહિલા પત્રકાર સવાલ પૂછે તો તેને તતડાવીને ધમકી આપવાનું કામ કરો. આનાથી નિંદનીય વાત કોઈ હોઈ શકે નહીં.

(6:45 pm IST)