Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

શિવસેનાની ડૂબતી નૈયા પાર કરાવવા તેજસ ઠાકરેની રાજનીતિમાં એન્ટ્રી લગભગ નક્કી !

ઉદ્ધવ ઠાકરેએ તેજસ ઠાકરેને રાજનીતિના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો : જન્માષ્ટમીએ દહીંહંડી કાર્યક્રમમાં એક પોસ્ટરમાં તેજસનો પણ ફોટો લગાવાયો

મુંબઈ : શિવસેનાના પાંડુરંગ સકપાલે તેજસ ઠાકરેને મુંબઈ, મહારાષ્ટ્ર નહીં પણ દેશને માર્ગદર્શન આપનારા નેતા તરીકે બિરદાવ્યા હતા. શિવસેનાએ ગિરગાંવમાં દહીહંડીનું આયોજન કર્યું હતું. અહીં લગાવવામાં આવેલા એક પોસ્ટરે બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે સાથે તેજસ ઠાકરેનું મોટું પોસ્ટર અહીં લગાવવામાં આવ્યું છે. આને યુવા શક્તિ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના બીજા પુત્ર તેજસ ઠાકરેને રાજનીતિના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મુંબઈમાં દર જન્માષ્ટમીએ દહીંહંડી કાર્યક્રમ થાય છે. આ વખતે દહીંહંડીને બેનરોમાં ઉદ્ધવ અને આદિત્યની સાથોસાથ તેજસનો પણ ફોટો લગાવવામાં આવ્યો હતો. શિવસેનાના બેનરમાં બાલાસાહેબને હિંદુ હૃદય સમ્રાટ, ઉદ્ધવને પ્રમુખ, આદિત્યને યુવા નેતા અને તેજસને યુવા શક્તિ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. દહીંહંડીના બેનર્સમાં તેજસ ઠાકરે છવાઈ ગયા હતા.

બીએમસીની ચૂંટણી નજીક છે. પાર્ટી ભાંગ્યા પછી પહેલી પરીક્ષા છે. આથી નવો ચહેરો લોન્ચ કરીને ઉદ્ધવ મતાદારોને પોતાની તરફ આકર્ષવા માગે છે. સામા પક્ષે રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે પણ રાજનીતિમાં પ્રવેશવા માટે થનગની રહ્યો છે. ઇન કેસ તે ભાજપ તથા બળવાખોર ધારાસભ્યોના ગઠબંધનમાં જોડાય તો પણ મહારાષ્ટ્રની રાજનીતિ ઠાકરે વિ. ઠાકરેની બની રહેશે. તેમાં બીજા કોઈ ફાવી શકશે નહીં.

(7:35 pm IST)