Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બિહારમાં મંત્રીઓની છબી સુધારવા માટે તેજસ્વી યાદવે લક્ષ્મણ રેખા ખેચી : કહ્યું - કોઇ પણ નવી ગાડી ના ખરીદે

RJD કોટાના મંત્રી વિવાદમાં સપડાયા : તેજસ્વી યાદવે કહ્યું – તમામ કાર્યકર્તા ઇમાનદાર રહેવા અને શાલીન વ્યવહાર અપનાવે

પટના : બિહારમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યા બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમણે આરજેડી મંત્રીઓને સલાહ આપી છે. તેજસ્વીએ મંત્રીઓને સલાહ આપી છે કે તેઓએ શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ. આ માટે તેજસ્વી યાદવે 6 પોઈન્ટ્સમાં ગાઈડલાઈન પણ જારી કરી છે, જેથી તેમને કે સરકારને નુકસાન ન થાય. તે જ સમયે, તેમણે દરેકને આ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા વિનંતી કરી છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે શનિવારે પોતાની પાર્ટીના મંત્રીઓ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યુ કે આરજેડી કોટાના મંત્રી પોતાના વિભાગમાં નવી ગાડી ના ખરીદે. સાથે જ ઉંમરમાં તેમનાથી મોટા કાર્યકર્તા, સમર્થક અથવા કોઇ પણ વ્યક્તિને પગને અડવા ના દે. લોકોને શિષ્ટાચાર ભેટ કરતા સમયે હાથ જોડીને નમસ્તે અથવા આદાબની પરંપરાને જ વધારવી પડશે. તેજસ્વીએ કહ્યુ કે તમામ મંત્રી સૌમ્ય અને શાલીન વ્યવહાર અપનાવે. સાદગી બતાવે અને તમામ જાતિ-ધર્મના લોકોની મદદ કરે. કોઇની પાસેથી ભેટ રૂપે ગુલદસ્તો અથવા ફૂલની જગ્યાએ પુસ્તક લેવાનું કલ્ચર વધારે.

આરજેડીના મંત્રીઓના ભ્રષ્ટાચાર સહિત અન્ય ગુનાહિત કેસમાં વિવાદ થયા બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે તમામને ઇમાનદાર બનવાની સલાહ આપી છે, તેમણે કહ્યુ કે તમામ મંત્રી પોતાના વિભાગના કામમાં ઇમાનદારી, પારદર્શિતા, તત્પરતા અને તુરંત એક્શનની કાર્યશૈલી પર ભાર આપે. સાથે જ પોતાના વિભાગની યોજના અને કાર્યોને સોશિયલ મીડિયા પર સતત પ્રચાર-પ્રસાર કરે.

(9:37 pm IST)