Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

એ વહેચે તો ‘ભગવાન’:અમને કરાય છે હેરાન; ‘મફત રેવડી’ને મામલે તમિલનાડુના મંત્રીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન

તેઓ આપે તો કોઈ પ્રશ્ન ન કરી શકે કારણકે તે સીધું ભગવાનના હાથમાંથી આવે છે અને જો કોઈ બીજું આપે તો તેઓ કહે છે કે, ના, ના, તે ખરાબ ફ્રી છે

નવી દિલ્હી :વડા પ્રધાન મોદીના ‘મફત રેવડી‘ના નિવેદનો અંગે દેશમાં રાજનીતી અટકવાનું નામ નથી લઈ રહી. તમિલનાડુના મંત્રી પલાનીવેલ થિયાગરાજને આ મામલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને પુછ્યું હતું કે, શું રાજ્યોમાં મફત સુવિધાઓ ‘ભગવાનના હાથમાંથી ઉતરે છે?’ તેમણે પીએમ મોદી ઉપર સીધો હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ આપે તો કોઈ પ્રશ્ન ન કરી શકે કારણકે તે સીધું ભગવાનના હાથમાંથી આવે છે અને જો કોઈ બીજું આપે તો તેઓ કહે છે કે, ના, ના, તે ખરાબ ફ્રીબી છે.

ચૂંટણી દરમિયાન ‘મફત રેવડી’ને અનુલક્ષીને BJP અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ વચ્ચે તમિલનાડુના નાણાં પ્રધાને કહ્યું હતું કે, ફ્રીબી ધારણા ખૂબ જ ખરાબ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. એક માણસની ફ્રીબી એ બીજા માણસ માટે સામાજિક ખર્ચ છે.

આ વિવાદ વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીથી શરૂ થયો છે. તેમાં લોકોને ચૂંટણી અગાઉના વચનો ઉપર ચેતવણી આપવામાં આવી હતી અને તેને ‘રેવડી કલ્ચર’ કહ્યું હતું. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે કારણકે એક અરજીમાં આવા વચનો આપનારા પક્ષોની નોંધણી રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે હવે કેન્દ્રને પુછ્યું છે કે, ‘મફતખોરી’નો અર્થ શું છે અને આમ આદમી પાર્ટી અને DMK પાસે પણ જવાબ માંગ્યો છે.

સામાન્ય રીતે તમિલનાડુમાં લોકોને ભેટ આપવાન પરંપરા છે. સીએમ સ્ટાલિને પણ આ મામલે નિવેદન આપ્યુ છે અને ફ્રીબીની સાચી વ્યાખ્યાની માંગણી કરી છે. રાજને કહ્યું હતું કે, તે ભેદ ગમે તે હોય, મારા માટે તે સ્પષ્ટ નથી કે સુપ્રીમ કોર્ટ, ટીવી એન્કર કે નાણાપંચના બંધારણ હેઠળ આ તફાવત કરવાનો અધિકાર કેવી રીતે રાખે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મતદાતાઓ તેમને પસંદ કરે છે કે નહી, તેઓ ફરીથી ચૂંટાય છે કે નહી, તેના આધારે પોતાનું મન નક્કી કરશે. મને એ સમજાતું નથી કે આમાં અદાલતની શું ભૂમિકા છે? કોઈ પણ દેશનું બંધારણ ક્યારથી સુપ્રીમ કોર્ટને જનતાના પૈસા કેવી રીતે ખર્ચ કરવા જોઈએ, તે નક્કી કરવાની પરવાનગી આપે છે?

(12:47 am IST)