Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

IT : ટાર્ગેટ પુરો કરવા દરોડાનું પ્લાનિંગ તૈયાર

બિલ્ડર્સ, ફાઇનાન્સર્સ, બ્રોકર્સ, ઇન્વેસ્ટર્સ, નામાંકિત ડોકટર્સ, જ્વેલર્સ રડારમાં

અમદાવાદ,તા. ૨૦: આયકર વિભાગના અધિકારીઓની બદલીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઇ જતાં આગામી દિવસોમાં માર્ચ મહિનાનો ટાર્ગેટ પુરો કરવા મોટા પાયે દરોડાની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદના મોટા બિલ્ડરો, ફાઇનાન્સરો, બ્રોકર અને ઇન્વેસ્ટર ઉપરાંત ડોકટરો અને જ્વેલર્સ ડિપાર્ટમેન્ટના રડારમાં છે. અધિકારીઓ દ્વારા મોટા કરચોરોની આર્થિક ગતિવિધિઓ પર લાંબા સમયથી વોચ રાખવામાં આવી રહી છે. પુરતું હોમવર્ક થઇ ગયું છે, હવે મોટા પ્રમાણમાં દરોડાની પ્રક્રિયા શરૂ થશે.

કોરોનાના કારણે સાયકર વિભાગને સોંપવામાં આવેલ ટાર્ગેટ પુરા થઇ રહ્યા નથી. જેને કારણે ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા અને સર્ચની કામગીરી શરૂ કરવામાં આવશે. છેલ્લા મહિનામાં પણ અમદાવાદ અને રાજકોટમાં મોટા પાયે દરોડા પાડીનેે કરોડો રૂપિયાની કરચોરી અને બેનામી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે. ટેકસ કલેકશનમાં ગુજરાત દેશમાં અગ્ર હરોળમાં છે તેમ છતાં અમદાવાદ સહિતના મહાનગરોમાં ખાસ કરીને બિલ્ડરો મોટા પ્રમાણમાં કરચોરી કરી રહ્યા હોવાની વિગતો ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનું વેચાણ અતિશય ઉંચી કિંમતે કરાયું હતું. તેની તપાસ પણ ચાલી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરના જવેલર્સ અને ડોકટરોની કરચોરીની માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્રિત કરી લેવામાં આવી છે. જેને આધારે આદેશ મળતાંની સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં દરોડાની કામગીરી થશે.

બેનામી પ્રોપર્ટી ટાંચમાં લેવાની કવાયત શરૂ

નોટબંધી સમયે જે લોકો પાસે મોટા પ્રમાણમાં કાળું નાણું હતુ તેમણે પોતાના સ્વજનો તથા મળતિયાઓના નામે મિલકતો તથા જમીનો ખરીદી લીધી હતી.આવી બેનામી પ્રોપર્ટી શોધી તેને ટાંચમાં લેવા માટે બેનામી પ્રોપર્ટી એકટ અંતર્ગત આયકર વિભાગના અધિકારીઓ કામે લાગી ગયા છે. ગુજરાતમાં બેનામી પ્રોપર્ટી એકટ અંતર્ગત બેનામી પ્રોપર્ટી શોધવા માટે સિનિયર અધિકારીની આગેવાનીમાં એક ટીમની રચવા કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા લગભગ એક હજાર કરોડથી બેનામી પ્રોપર્ટી શોધી આવી છે. હવે તેને ટાંચમાં લેવા માટેની કવાયત ચાલી રહી છે.

(10:03 am IST)