Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

લોકડાઉન છતાં દેશમાં રોજ ૩૨૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

ભારતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતને કારણે ૧.૨૦ લાખ લોકો મૃત્યુ પામ્યા : હિટ એન્ડ રનના ૪૧૧૯૬ કેસ નોંધાયા : ૨૦૨૦ દરમિયાન ભારતમાં તબીબી બેદરકારીને કારણે મૃત્યુના ૧૩૩ કેસ નોંધાયા : બેદરકારીના કારણે માર્ગ અકસ્માતમાં ત્રણ વર્ષમાં ૩.૯૨ લાખ લોકોના મોત થયાઃ ૨૦૨૦માં હિટ એન્ડ રનના ૪૧,૧૯૬ કેસ નોંધાયા, અકસ્માતથી ૧.૨૦ લાખ મોત

નવી દિલ્હી,તા.૨૦:  ભારતમાં વર્ષ ૨૦૨૦માં બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો સંબંધિત ૧.૨૦ લાખ મૃત્યુ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ, કોવિડ -૧૯ લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ ૩૨૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)એ ૨૦૨૦ માટે તેના વાર્ષિક 'ક્રાઇમ ઈન્ડિયા' રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ત્રણ વર્ષમાં બેદરકારીને કારણે ૩.૯૨ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત NCRBનો રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૧૮થી દેશમાં હિટ એન્ડ રનના ૧.૩૫ લાખ કેસ નોંધાયા છે. માત્ર ૨૦૨૦માં, હિટ એન્ડ રનના ૪૧,૧૯૬ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં ૪૭,૫૦૪ અને ૨૦૧૮ માં ૪૭,૦૨૮ કેસો સામે આવ્યા હતા.

સાર્વજનિક રસ્તા પર ઝડપી અથવા રફ ડ્રાઇવિંગને કારણે થયેલી ઈજાના ૨૦૨૦માં ૧.૩૦ લાખ, ૨૦૧૯માં ૧.૬૦ લાખ અને ૨૦૧૮માં ૧.૬૬ લાખ કેસ હતા, જયારે આ વર્ષોમાં 'ગંભીર ઈજાઓ'ની સંખ્યા અનુક્રમે ૮૫,૯૨૦, ૧.૧૨ લાખ અને ૧.૦૮ રહી છે. દરમિયાન ૨૦૨૦માં દેશભરમાં રેલ અકસ્માતોમાં બેદરકારીને કારણે મૃત્યુના ૫૨ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં આવા ૫૫ અને ૨૦૧૮માં ૩૫ કેસ સામે આવ્યા છે.

એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે ૨૦૨૦ દરમિયાન ભારતમાં તબીબી બેદરકારીને કારણે મૃત્યુના ૧૩૩ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં આવા કેસોની સંખ્યા ૨૦૧ હતી જયારે ૨૦૧૮ માં તે ૨૧૮ પર પહોંચી હતી.

રિપોર્ટ અનુસાર, ૨૦૨૦ માં 'નાગરીક સંસ્થાઓની બેદરકારીને કારણે મૃત્યુ'ના ૫૧ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં આવા કેસોની સંખ્યા ૧૪૭ અને ૨૦૧૮માં ૪૦ હતી. ડેટામાં જાણવા મળ્યું છે કે ૨૦૨૦ માં સમગ્ર દેશમાં 'અન્ય બેદરકારીને કારણે મૃત્યુ'ના ૬,૩૬૭ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૯માં ૭,૯૧૨ અને ૨૦૧૮માં ૮,૬૮૭ હતા.

એનસીઆરબીએ અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં ૨૫ માર્ચ, ૨૦૨૦થી ૩૧ મે ૨૦૨૦ સુધી સંપૂર્ણ કોવિડ -૧૯ લોકડાઉન અમલમાં હતું અને આ સમય દરમિયાન જાહેર સ્થળોએ અવરજવર ખૂબ મર્યાદિત હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સામેના ગુનાઓ, ચોરી, લૂંટના કેસોમાં ઘટાડો નોંધાયો છે. 

(10:03 am IST)