Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પ્રકૃતિનું અખૂટ સૌંદર્ય

કૈલાશ માનસરોવરઃ ભગવાન શિવના આશીર્વાદ સાથે પશુપતિનાથના દર્શનનો લ્હાવો

યાત્રાની સાથે ચરણ સ્પર્શ કરીને વાદળી રંગના સ્વચ્છ પાણીમાં ડૂબકી મારવાનો અસામાન્ય અનુભવ : બર્ફીલા-વિરાન પહાડો વચ્ચે સુંદરતાનો અદ્ભુત નઝારો : તકલાકોટ, હિલસા, સિમિકોટ, નેપાલગંજને જોવા-માણવાનો મોકો

રાજકોટ તા. ર૦ :.. જયાં જવા માટે વિશ્વના મોટાભાગના સહેલાણીઓ આતુર હોય છે તેવા પ્રકૃતિનું અખૂટ સૌદર્ય ધરાવતા કૈલાશ માનસરોવરની યાત્રાનો અનુભવ જ કંઇક અલગ હોય છે. કૈલાશ માનસરોવરની યાત્રા, કુદરતના ખોળે શિવ ભગવાનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવાનો અને સાથે-સાથે પશુપતિનાથના દર્શનનો લ્હાવો પણ લઇ શકાય છે. માનસરોવરના  વાદળી રંગના સ્વચ્છ પાણીમાં ડૂબકી મારવાનો અસામાન્ય અનુભવ પણ લેવા જેવો છે. બર્ફીલા અને વિરાન પહાડો વચ્ચે સુંદરતાનો અદ્ભુત નઝારો જોવા મળે છે. કૈલશા માનસરોવરની યાત્રાનો અનુભવ પર્યટન તથા સંસ્કૃતિ વિશેષજ્ઞ તૃપ્તિ પાન્ડેય ના શબ્દોમાં જોઇએ.

તકલાકોટ તિબેટનું એક નાનુ શહેર છે, કે જયાં હોટલમાં રહી શકાય છે અને બજારમાં પણ લટાર મારી શકાય છે. ત્યાંથી નિકળીને માનસરોવર જઇ શકાય છે કે જયાં ડૂબકી લગાવી શકાય છે. પરંતુ ન્હાવાની  મનાઇ જોવા મળતી હોય છે. તકલાકોટથી માનસરોવરનો રસ્તો અંદાજે અઢી કલાક જેટલો છે કે જેમાં વચ્ચે કૈલાશ પર્વતની પણ એક ઝલક જોવા મળે છે. અહીં બનેલા કુંડને રાક્ષસકલ અથવા રાવણ કલ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવભકત રાવણે અહીં કઠોર તપસ્યા કરી હતી. અહીંથી આગળ ચાલીને સ્વચ્છ અને વાદળી પાણી ધરાવતા માનસરોવર તળાવ સુધી પહોંચી શકાય છે. અહીંનું સૌદર્ય અદ્ભુત હોય છે.

આ બાબતનો ઉલ્લેખ સૌપ્રથમ વખત એક ઇસાઇ પ્રવાસીએ કર્યો હતો, કે જેણે ૧૬ મી સદીમાં કેટલાંક યોગીઓ દ્વારા કહેવામાં આવેલ કિસ્સાઓ ઉપરથી ઉલ્લેખ કર્યો હતો.

ડૂબકી લગાવાનું સાહસ કરીને ત્યાં રહેવા માટે બૌધ્ધ મઠના અતિથિ ગૃહમાં જઇ શકાય છે. ત્યાંથી બીજે દિવસે બસ દ્વારા યમદ્વારની મુલાકાત લઇ શકાય છે, કે જેની આગળ ડેરાપુક સુધીનો ૧ર કિલોમીટરનો રસ્તો મુશ્કેલી ભર્યો કહી શકાય.પથરાળ કેડી (કાચો રસ્તાો) હતી કે જયાં ચાલવામાં સાવધાની રાખવી પડે છે. ચારે બાજુ વિરાન પહાડો-પર્વતો વચ્ચે આખો દિવસ ચાલીને પ્રકૃતિને માણી શકાય છે અને ટ્રેકીંગ જેવો આનંદ લઇ શકાય છે. ત્યાંથી કૈલાશનો ઉતર ભાગ જોતાં જ બધો થાક ઉતરી જાય છે અને ખૂબ નજીકથી કૈલાશ પર્વતને જોઇ શકાય છે. ત્યાં રહેવાની પણ સુવિધા મળી રહે છે. વહેલી સવારે ઉઠીને ચરણ સ્પર્શની યાત્રાએ નિકળ્યા કે જયાં ઘણું અંધારૃં હોય છે અને સૂર્યોદય થવાની સૌ રાહ જોતા હોય છે. એક પણ રસ્તો સરળ નથી હોતો કારણ કે અહીં વ્યકિતના શરીરમાં ઘણી વખત ઓકિસજન ઘટવા લાગે છે. રોજ સવારે ઉઠીને ઓકિસમીટર દ્વારા ઓકિસજન લેવલ માપવામાં આવે છે. આગળ જતા કૈલાશ પર્વતની શ્રૃંખલાને સ્પર્શ કરી અને સતહને માથા ઉપર લગાવી.

પાછા ફરતી વખતે તકેદારી રાખવા સંદર્ભે ખાસ પ્રશિક્ષણ પણ આપવામાં આવતુ હોય છે. આ પ્રશિક્ષણ ઝૂમર ટેકિનકનું હતું કે જેનાથી દોરડું પકડીને પહાડો ઉપર જઇ શકાય છે. ત્યાર પછી બીજા દિવસે શિવ સ્થળ તથા કુબેર કુંડ જવા માટે દોરડાની મદદથી આગળનું ચઢાણ થઇ શકે છે. જોરદાર ઠંડી અને અચાનક આવેલા બરફના તોફાનને કારણે દોરડા દ્વારા બીજા છેડે પહોંચવા માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ હોય તેવો અનુભવ થયો. ત્યાંથી આગળ નિકળીને શેરપાઓના સહારે શિવ સ્થળ તથા શિવકૃપાથી કુબેરકુંડ પહોંચવામાં સફળતા મળતી હોવાનું તૃપ્તિ પાન્ડેય જણાવે છે.

બરફનું તોફાન ઘણાં કલાકો પછી ઓછું થયું અને સૂરજ દાદાએ દર્શન આપ્યા. ત્યાંથી પણ દિવસ દરમ્યાન રપ કિલો મીટરથી વધુ ચાલવાનું હતું અને પછીના દિવસે ૬ કિલો મીટર જેટલું ચાલીને તમામ પ્રવાસીઓ બસમાં બેઠા. ત્યારબાદ ત્યાંથી તકલાકોટ, હિલસા, સિલિકોટ, નેપાલગંજના રસ્તા ઉપર જયારે કઠમુંડુ પહોંચી જઇએ ત્યારે ત્યાં પશુપતિનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ થાય છે.

છેલ્લે તૃપ્તિ પાન્ડેય જણાવે છે કે તેઓને એવું લાગે છે કે ભગવાન શિવે બોલાવ્યા હતાં. તેઓ જ એવું પણ લખવાનું કહે છે કે લાખો રૂપિયાની આ યાત્રામાંથી એજન્ટ તથા સરકાર જેટલી કમાણી કરે છે તેના દ્વારા રસ્તા તથા વધુ સારી સગવડતા અને દોરડાની મદદથી ઉપર ચઢવા માટે પ્રશિક્ષણ આપવાનો વધુ સારો રસ્તો કે ઉપાય આપવા પણ વિચારી શકે છે.

કૈલાશ માનસરોવર પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

ભારતમાંથી લગભગ દર વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રા યોજવામાં આવે છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ, નિયંત્રણ અને નિયમન હેઠળ આ યાત્રાનું આયોજન થાય છે. યાત્રીઓનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે. તિબેટના તકલાકોટ થઇને ત્યાંથી આગળ જવાનું હોય છે. અહીં રહેવાની વ્યવસ્થા પણ છે. ત્યાંથી માનસરોવરનો અઢી કલાક જેટલો રસ્તો છે. માનસરોવરની પાસે પણ બૌધ્ધ મઠનું અતિથિગૃહ આવેલ છે. ત્યાંથી યમદ્વાર પહોંચી શકાય છે. થોડા મુશ્કેલ રસ્તા સાથે અમુક કિલોમીટર ચાલીને શિવ સ્થળ તથા કુબેરકુંડ પહોંચી શકાય છે. સરકારના નિતી-નિયમ મુજબ મેડીકલ એકઝામીનેશન કરાવવું પણ જરૂરી છે.

(11:48 am IST)