Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દિલ્હી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તન કર્યાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ

આયેશાએ પોતાના ટ્વીટ દ્વારા સતત આઠ ટ્વીટ કરીને બળાપો ઠાલવ્યો:સુરક્ષા કર્મચારીઓએ ફુડકોર્ટ સુધી પીછો કર્યો, અપશબ્દો પણ બોલ્યાનો આક્ષેપ

મુંબઈ :  હિંદી ફિલ્મની અભિનેત્રી આયશા શર્માએ દિલ્લી એરપોર્ટ ખાતે તપાસ દરમિયાન સુરક્ષા એજન્સી પર ગેરવર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. આયેશાએ પોતાના ટ્વીટ દ્વારા સતત આઠ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, સુરક્ષા તપાસ દરમિયાન બેગમાંથી ઈલેક્ટ્રોનિક સામાન અને વાયર નિકળવા અંગે ફરજ પરના CISFના કર્મચારીઓએ તેની સાથે ગેરવર્તન કર્યુ હતુ.  

  આયેશાએ ટ્વીટ કરવાની સાથે જ યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી છે. કેટલાક યુઝર્સે આ મુદ્દે આયેશાની ટીકા કરી છે તો કેટલાકે તેના આયેશાના પ્રયાસને બિરદાવ્યો છે.

આ મુદ્દે સામે આવી રહેલી વિગતો અનુસાર, આયેશા શર્મા ગો ફ્લાઈટ એરવેઝના વિમાનમાં દિલ્લીથી જવા માટે એરપોર્ટ પર પહોચી હતી. તેણીએ આક્ષેપ કર્યો છે કે, સુરક્ષા તપાસ દરમિયાન તેની બેગમાંથી ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ નિકળતા સુરક્ષા કર્મીઓએ બોલાચાલી કરી હતી. અને બેગમાંથી તમામ સામગ્રી બહાર કાઢવા અને ફરીથી સુરક્ષા તપાસ કરાવવા કહ્યુ હતું. આયશા શર્માએ એવો આરોપ કર્યો છે કે, આ ઘટના બાદ, છ કરતા વધુ CISF જવાનોએ ફુડકોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો. અને કેટલાક અપશબ્દો પણ બોલ્યા હતા.

આયેશા શર્મા અભિનેત્રી નેહા શર્માની બહેન છે. આયેશા શર્મા મૂળ બિહારના ભાગલપુરના રહેવાસી છે. 24 જાન્યુઆરી 1989માં જન્મેલી આયેશા શર્માનુ બાળપણ માતા પિતા સાથે દિલ્લીમાં વિત્યુ છે. આયેશા શર્મા બાયો ટેકનોલોજી સાથે નોઈડાથી ગ્રેજ્યુએટ થઈ છે. સત્યમેવ જયતે અને બાબા કી ચોકી ફિલ્મમાં તેણે અભિનય કર્યો છે.

(1:12 pm IST)